Madhabi Puri Buchનું ગેરકાયદે ટ્રેડિંગ, સેબીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ,કોંગ્રેસ

Share:

New Delhi,તા.14

કોંગ્રેસ પાર્ટીની ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (સેબી)ના અધ્યક્ષ માધબી પુરી બુચ પરની આક્ષેપબાજી અટકવાનું નામ નથી લેતી. 14 સપ્ટેમ્બર, 2024ના રોજ કોંગ્રેસે ફરી એકવાર માધબી બુચ પર નવો આક્ષેપ કર્યો છે.

શું આક્ષેપ લગાવ્યો કોંગ્રેસે?     

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે, માધબી બુચે સેબીમાં તેમના કાર્યકાળ દરમિયાન લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્ત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ખેરાએ દાવો કર્યો હતો કે, આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ 2017 થી 2023 ની વચ્ચે થઈ હતી, જેમાં નાણાકીય વર્ષ 2018-19માં કુલ 19.54 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા.

વિદેશી રોકાણના પણ આક્ષેપ

કોંગ્રેસે બુચ પર ચીન સહિત અન્ય દેશોમાં રોકાણ કરવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. ખેરાએ ‘ગ્લોબલ X MSCI ચાઇના કન્ઝ્યુમર’ (Global X MSCI China Consumer) અને ‘ઇન્વેસ્કો ચાઇના ટેક્નોલોજી ETF’ (Invesco China Technology ETF) એ બે ઉપરાંત બીજા બે એમ કુલ ચાર આંતરરાષ્ટ્રીય ફંડ્સમાં નામ આપીને એમાં બુચે કથિત રીતે રોકાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યા કે, ‘બુચે આ વિદેશી રોકાણ ક્યારે જાહેર કર્યું હતું? અને કઈ સરકારી એજન્સીને આ રોકાણ વિશે જાણ કરવામાં આવી હતી?’

વડાપ્રધાન મોદી પાસે માંગી સ્પષ્ટતા 

કોંગ્રેસે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સ્પષ્ટતા માંગતા કહ્યું હતું કે, ‘શું વડાપ્રધાન એ વાતથી વાકેફ છે કે સેબીના અધ્યક્ષ જાહેર કર્યા વિનાની મોટી રકમનું ટ્રેડિંગ લિસ્ટેડ સિક્યોરિટીઝમાં કરી રહ્યા છે?’ તેમણે એમ પણ પૂછ્યું હતું, ‘શું વડાપ્રધાન એ વાત જાણે છે કે સુશ્રી માધાબી બુચે ભારતની બહાર આટલી મોટા મૂલ્યનું રોકાણ કર્યું છે? જો તેઓ જાણતા હોય, તો આ રોકાણ ક્યારે કરવામાં આવ્યું હતું અને એની જાહેરાતની તારીખો શું છે?’ વધુમાં ખેરાએ પ્રશ્ન કર્યો હતો કે, ‘ભારત અને ચીન વચ્ચે ભૌગોલિક-રાજકીય તણાવ ચાલી રહ્યો છે એવા સમયમાં બુચે ચીની કંપનીઓમાં કરેલા રોકાણથી વડાપ્રધાન વાકેફ હતા ખરા?’

આક્ષેપ સામે માધબી બુચે શું કહ્યું? 

માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કાયમી વાજું વગાડતાં કોંગ્રેસ દ્વારા લગાવાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે કોંગ્રેસના દાવાઓને ‘જૂઠા, ખોટા, દ્વેષપૂર્ણ અને દુષપ્રેરિત’ ગણાવ્યા હતા. તેમણે આને ‘કોંગ્રેસની યુક્તિ’ ગણાવી હતી. બુચે એમના નિવેદનમાં ‘મહિન્દ્રા ગ્રૂપ’, ‘પિડિલાઇટ’ અને ‘ડૉ. રેડ્ડીઝ લેબ્સ’ જેવી કંપનીઓ તરફથી તેમની ફર્મ ‘એગોરા એડવાઇઝરી’ને કન્સલ્ટન્સી પેમેન્ટ્સ મળેલું હોવાના અગાઉના આક્ષેપોને પણ નકાર્યા હતા. ‘વોકહાર્ટ’ સાથેની ભાડાની આવક સંબંધિત ગેરરીતિનો અને ICICI બેંક તરફથી મળેલ નાણાં અંગેના દાવાઓનો પણ તેમણે ઈન્કાર કર્યો હતો.

કોંગ્રેસે પ્રતિભાવોની ટીકા કરી

કોંગ્રેસે બુચના પ્રતિભાવો ફગાવી દીધા હતા. ICICI બેંક અને મહિન્દ્રા ગ્રૂપ જેવી કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ખુલાસાને અપર્યાપ્ત ગણાવીને કોંગેસે એને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. કોંગ્રેસની દલીલ એવી છે કે, બુચ અથવા તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને કરવામાં આવેલી ચૂકવણીઓ સેબીના નિયમોનો ભંગ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *