Jamnagarતા ૧૫
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક દંપતિને મોબાઈલ ફોનમાંથી મની ટ્રાન્સફર કરવા બાબતે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ પોલિસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ માં શ્યામ રેસીડેન્સી નંબર ૨૦૪ નંબર ના બ્લોક માં રહેતી શ્રુતિબેન કુલદીપસિંહ ગઢવી નામની ૩૩ વર્ષની પરણીતાએ પોતાને ઢોર માર મારી જાહેરમાં ઢસડી ઇજા પહોંચાડવા અંગે અને પોતાનો મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂટવી લેવાની કોશિશ કરવા અંગે પોતાના પતિ કુલદીપસિંહ ખુમાનસિંહ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા ફરિયાદી શ્રુતિબેનના પતિએ સારવાર કરાવવા માટે ની રકમ મોબાઈલ ફોન મારફતે પત્નીને આપેલી હતી. જે રકમ પરત મેળવવા બાબતે ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
પતિએ મોબાઈલ ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરાવવા માટે પત્ની ના મોબાઈલ ફોનની માંગણી કરતાં પત્નીએ ફોન આપવાની ના પાડી હતી, અને હું તમને પૈસા ટ્રાન્સફર કરી આપીશ. મારો મોબાઇલ ફોન માગશો નહીં, તેમ કહેતા પતિને શંકા ગઈ હતી, અને ઉશ્કેરાટ માં આવ્યો હતો.
તેણે પત્નીના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો, ઉપરાંત તેણીને ઢસડીને ઢોર માર માર્યો હતો. જેથી સમગ્ર મામલા ને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો છે.