Paris,તા.30
નીરજ ચોપડા પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાના ગત ટોક્યો ઓલિમ્પિક ઈતિહાસને બેવડાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચાહકો નીરજ ચોપડાની રમતની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. નીરજ ચોપડાનો ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટે થવાનો છે. આ પહેલા જ એક ભારતીય ચાહક તેને ચીયર કરવા પેરિસ પહોંચી ચૂક્યો છે. આ ચાહક પ્લેનથી નહીં પરંતુ પોતાની સાઈકલથી નીરજ ચોપડાને ચીયર કરવા પેરિસ પહોંચ્યો છે. તે ચાહકનું નામ ફાયિસ અસરફ અલી છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કરી ચૂક્યો છે નીરજ ચોપડાને ચીયર
ફાયિસ અસરફ અલીએ 15 ઓગસ્ટ 2022એ પોતાની યાત્રા શરૂ કરી અને 17 દેશોથી થતાં પેરિસ પહોંચવામાં બે વર્ષનો સમય લીધો. તેમનો હેતું ‘ભારતથી લંડન સુધી સાઈકલ ચલાવીને શાંતિ અને એકતા ફેલાવવાનો’ હતો. 1 ઓગસ્ટ 2023ની બપોરે બુડાપેસ્ટમાં જ્યારે તેમને જાણ થઈ કે નીરજ ચોપડા પણ ત્યાં રોકાયો છે તો તેણે પોતાના આદર્શને મળવાની ઈચ્છા પૂરી કરી.
ફાયિસ અસરફ અલીએ જણાવ્યું કે નીરજે તેને સલાહ આપી કે ‘જો તમે લંડન જઈ રહ્યાં છો તો પેરિસ પણ આવો અને ઓલિમ્પિક પણ જુઓ.’ નીરજની આ સલાહ પર અલીએ પોતાનો પ્લાન બદલ્યો અને પેરિસ ઓલિમ્પિક જવાની તૈયારી કરી. તેણે વિઝા મેળવ્યા અને પછી બ્રિટનથી પેરિસ ગયો.
ઉલ્લેખનીય છે કે કેરળના કાલીકટથી આવતાં ફાયિસ અસરફ અલીએ 2 વર્ષમાં 22 હજાર કિલોમીટરથી વધુ સાઈકલ ચલાવી અને 30 દેશોને પાર કર્યા બાદ તે પેરિસ પહોંચ્યો. જે બાદ હવે ફાયિસ અસફ અલી પેરિસ પહોંચી ગયો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એફિલ ટાવરની સામેની તસવીર પણ શેર કરી છે.
50 કિલોગ્રામ વજન સાથે અલી યાત્રા કરે છે
ફાયિસ અસરફે પોતાની યાત્રા દરમિયાન 50 કિલોગ્રામ સામાન ઉઠાવ્યો. જેમાં કપડાં, એક ટેન્ટ, સ્લીપિંગ બેગ અને એક ચટાઈ સામેલ હતી. તેણે કહ્યું કે હોટલમાં રહેવાના બદલે તેણે રસ્તામાં મળતાં સ્પોન્સર્સની મદદ લીધી.
અલીની આ યાત્રાના ઘણા ક્રિકેટ સ્ટાર્સે પણ વખાણ કર્યાં
અસરફે પોતાની યાત્રા દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ તેણે હિંમત હારી નહીં. તેણે પોતાની યાત્રા દરમિયાન ઘણા દેશોનો પ્રવાસ કર્યો અને ઘણા લોકોને મળ્યો. અલીની આ યાત્રાને યુકેમાં ક્રિકેટ સ્ટાર્સ ક્રિસ ગેલ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ પણ વખાણી.