શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૯નું ચિંતન કરીશું જેમાં જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે? તેનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે..
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણંમેવ ચ
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે..
આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ કાન આંખ ત્વચા જીભ અને નાક આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.મનમાં અનેક પ્રકારના સારા-ખરાબ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થતા રહે છે તેનાથી સ્વયંની સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી કેમકે સ્વયં ચેતનતત્વ આત્મા જડ શરીર, ઇન્દ્રિયો,મન અને બુદ્ધિથી પર અને તેમનો આશ્રય તથા પ્રકાશક છે.સંકલ્પ-વિકલ્પ આવતા જતા રહે છે અને સ્વયં સદા જેમ છે તેમ રહે છે.મનનો સંયોગ થતાં જ સાંભળવા, દેખવા, સ્પર્શ કરવા, સ્વાદ લેવા તથા સુંઘવાનું જ્ઞાન થાય છે.
કાનોમાં સાંભળવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક પ્રકારના અનુકૂળ શબ્દો જેવા કે સ્તુતિ, માન-બડાઇ, આર્શિવાદ,મધુર ગાન, વાદ્ય વગેરે તથા પ્રતિકૂળ શબ્દો જેવા કે નિંદા અપમાન શ્રાપ અપશબ્દો વગેરે સાંભળ્યા છે પરંતુ તેનાથી સ્વયંમાં કોઇ ફેર પડતો નથી.
નેત્રોમાં જોવાની શક્તિ છે.આજ સુધી આપણે અનેક સુંદર-અસુંદર મનોહર,ભયાનકરૂપ કે દ્રશ્યો જોયા છે પરંતુ તેનાથી આપણા સ્વરૂપમાં શું ફરક પડ્યો?
ત્વચામાં સ્પર્શ કરવાની શક્તિ છે.જીવનમાં આપણને અનેક કોમળ કઠોર ચિકણા ઠંડા ગરમ વગેરે સ્પર્શો પ્રાપ્ત થયા છે પરંતુ તેનાથી પોતાના સ્વરૂપમાં શું અંતર પડ્યું?
જીભમાં સ્વાદ લેવાની શક્તિ છે.કડવો તીખો ગળ્યો તૂરો ખાટો અને ખારો-આ છ પ્રકારના ભોજનના રસ છે.આજસુધી આપણે જાત જાતના રસયુક્ત ભોજન કર્યા છે પરંતુ વિચાર કરવો જોઇએ કે તેનાથી સ્વયંને શું મળ્યું?
નાસિકામાં સુંઘવાની શક્તિ છે.જીવ દરમ્યાન આપણી નાસિકાએ જાતજાતની સુગંધ અને દુર્ગંધ ગ્રહણ કરી છે પરંતુ તેનાથી સ્વયંમાં શું ફરક પડ્યો?
કાનનો વાણી સાથે, નેત્રનો પગ સાથે, ત્વચાનો હાથ સાથે, જીભનો ઉપસ્થ સાથે અને નાકનો ગુદા સાથે આમ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પાંચ કર્મેન્દ્રિયો સાથે ધનિષ્ઠ સબંધ છે જેમકે જે જન્મથી બહેરો હોય છે તે મૂંગો પણ હોય છે.પગના તળિયામાં માલિશ કરવાથી નેત્રો ઉપર અસર પડે છે.ત્વચાના લીધે જ હાથ સ્પર્શનું કામ કરે છે.જીભના વશમાં થવાથી ઉપસ્થ ઇન્દ્રિય પણ વશમાં થઇ જાય છે.નાકથી ગંધનું ગ્રહણ તથા તેનાથી સબંધિત ગુદાથી ગંધનો ત્યાગ થાય છે.પાંચ મહાભૂતોમાં એક-એક મહાભૂતના સત્વગુણ અંશથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણ અંશથી કર્મેન્દ્રિયો અને તમોગુણ અંશથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે પાંચેય વિષયો બન્યા છે.
પાંચ મહાભૂતોના મળેલા સત્વગુણ અંશથી મન, રજોગુણ અંશથી પ્રાણ અને તમોગુણ અંશથી શરીર બન્યું છે.જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે અને જેવી રીતે પહેલા શરીરમાં વિષયોનું રાગપૂર્વક સેવન કરતો હતો તેવી જ રીતે બીજા શરીરમાં જતાં તેવો જ સ્વભાવ હોવાથી વિષયોનું સેવન કરવા લાગે છે.આ રીતે જીવાત્મા વારંવાર વિષયોમાં આસક્તિ કરવાના લીધે ઉંચ-નીચ યોનિઓમાં ભટકતો રહે છે.
ભગવાને આ મનુષ્યશરીર સુખભોગ ભોગવવા માટે નહી પરંતુ પોતાનો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે. વિષયસેવન કરવાથી પરીણામમાં વિષયોમાં રાગ-આસક્તિ વધે છે કે જે પુનર્જન્મ તથા તમામ દુઃખોનું કારણ છે.વિષયોમાં વસ્તુતઃ સુખ છે જ નહી ફક્ત આરંભમાં ભ્રમવશ સુખ પ્રતિત થાય છે.જો વિષયોમાં સુખ હોત તો જેમની પાસે પ્રચુર ભોગસામગ્રી છે એવા મોટા મોટા ધનવાનો, ભોગી અને પદાધિકારીઓ સુખી થઇ જાત પરંતુ વાસ્તવમાં જોઇએ તો સમજાશે કે તેઓ દુઃખી અને અશાંત છે.
જેવી રીતે સ્વપ્નમાં જળ પીવાથી તરસ છીપાતી નથી એવી જ રીતે ભોગપદાર્થોથી શાંતિ મળતી નથી કે અંતરની ઇચ્છા દૂર થતી નથી.મનુષ્ય વિચારે છે કે આટલું આટલું ધન મળી જાય, આટલો સંગ્રહ થઇ જાય, આટલી વસ્તુઓ પ્રાપ્ત થઇ જાય તો શાંતિ મળી જશે પરંતુ એટલું મળી જવા છતાં પણ શાંતિ મળતી નથી.ઉલટાની વસ્તુઓના મળવાથી તેની લાલસા વધી જાય છે.ભોગપદાર્થોના ઉપભોગથી કામના ક્યારેય શાંત થતી નથી પરંતુ જેવી રીતે ઘી ની આહૂતિ આપવાથી અગ્નિ વધારે ભડકી ઉઠે છે તેવી જ રીતે ભોગવાસના પણ ભોગોને ભોગવવાથી પ્રબળ થાય છે.
ધન વગેરે ભોગપદાર્થો મળવા છતાં પણ તે વધારે મળી જાય એ ક્રમ ચાલતો રહે છે પરંતુ સંસારમાં જેટલું ધનધાન્ય છે, જેટલી સુંદર સ્ત્રીઓ છે, જેટલી ઉત્તમ વસ્તુઓ છે તે તમામ એકસામટી કોઇ એક વ્યક્તિને મળી જાય તો પણ તેમનાથી તેને તૃપ્તિ થતી નથી.એનું કારણ એ છે કે જીવ અવિનાશી પરમાત્માનો અંશ અને ચેતન છે અને ભોગપદાર્થો નાશવાન પ્રકૃતિના અંશ તથા જડ છે.ચેતનની ભૂખ જડ પદાર્થોના દ્વારા કેવી રીતે મટી શકે?
આપણે આજે જ દ્રઢ નિશ્ચય કરી લેવાનો છે કે મારે ભોગબુદ્ધિથી વિષયોનું સેવન કરવાનું નથી.સકળ સંસાર મળીને પણ મને તૃપ્ત કરી શકવાનો નથી.આમ કરવાથી ઇન્દ્રિયો નિર્વિષય બની જતાં મન નિર્વિકલ્પ અને બુદ્ધિ આપોઆપ સમ થઇ જાય છે અને બુદ્ધિ સમ થઇ જવાથી પરમાત્માની પ્રાપ્તિનો આપોઆપ અનુભવ થઇ જાય છે કેમકે પરમાત્મા તો સદા પ્રાપ્ત જ છે.વિષયોમાં પ્રવૃત્તિ હોવાના કારણે એમની પ્રાપ્તિનો અનુભવ થતો નથી.
ગોસ્વામી તુલસીદાસજી રામચરીત માનસના અંતમાં પ્રાર્થના કરે છે કે જેવી રીતે કામીને સ્ત્રી,ભોગી અને લોભીને ધન સંગ્રહ પ્રિય લાગે છે તેવી રીતે શ્રી રઘુનાથજીનું રૂપ અને રામનામ મને નિરંતર પ્રિય લાગો.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)