જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું પિતરાઈ ની નજર સામે મોત
Rajkot,તા.18
જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડે કૌટુંબીક બાઈની નજર સામે જ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત અન્ય આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના નવાગામ ઘેર ગામે રહેતા ભીખુભાઈ ઉકાભાઈ ખટાણિયા ઉ.વ. 50 અને તેના કૌટુંબીક ભાઈ ભીખુભાઈ બોઘાભાઈ ખટાણિયા ઉ.વ.51 પોતાનું બાઈક લઈ રાજકોટ આવી રહ્યા હતા ત્યારે પડધરી નજીક બપોરના ચારેક વાગ્યાના અરસામાં પહોંચતા અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા બાઈક સવાર બન્ને આધેડ રોડ ઉપર ફંગોળાયા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભીખુભાઈ ઉકાભાઈ ખટાણિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ભીખુભાઈ ખટાણિયાને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ભીખુભાઈ ખટાણિયા બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ભીખુભાઈ ખટાણિયા કૌટુંબીક ભાઈ સાથે રાજકોટમાં લગ્ન પ્રસંગે આવતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પડધરી પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.