Jharkhand, તા.19
ઝારખંડના પાકુડમાં એક સગીર બાળકીનો વીડિયો વાયરલ કરનાર આરોપીને માર મારવા બદલ હિંસા વકરી હતી. આ હિંસાએ વિકરાળ સ્વરૂપ લેતાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ પર પણ હુમલો થતાં 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ભાજપે આરોપ મૂક્યો છે કે, હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવતાં તેઓ પલાયન કરવા મજબૂર બન્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડના સંથાલ પરગણામાં કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિંસા બાદ ગામનો વીડિયો રજૂ કરતાં સાંસદ દુબેએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં કોંગ્રેસના શાસનમાં પાકુડના તારાનગર ઈલામી ગામ વેરાન થઈ ગયું છે. સગીર બાળકીનો વીડિયો બનાવી મુસ્લિમ યુવક તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. વિરોધ કરવા પર તમામ હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશીઓએ ઘુસણખોરી કરી હુમલો કરતાં હિન્દુઓ ગામ છોડવા મજબૂર બન્યા હતા. ઝારખંડ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. સંથાલ પરગણા કાશ્મીર ખીણ બની રહી છે. જ્યાં હિન્દુઓ પલાયન કરવા મજબૂર બન્યા છે.
મુખ્યમંત્રી પર આક્ષેપો
આ ઘટના બાદ બાબુ લાલ મરાંડીએ મુખ્યમંત્રી હેમંત સોરેન પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે રોમ સળગી રહ્યું હતું ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યા હતા. આજના સંદર્ભમાં, આ વાત હેમંત સોરેનને પણ લાગુ પડે છે. ઝારખંડનો સંથાલ પરગણા વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરોના આતંકની આગમાં સળગી રહ્યો છે અને મુખ્યમંત્રી હેમંત સોરેન પ્રવાસમાં વ્યસ્ત છે. ઘૂસણખોરોના આતંકને કારણે સંથાલ પરગણાના આદિવાસીઓ હવે તેમના ઘર છોડીને પલાયન કરવા મજબૂર બન્યા છે.’
મરાંડીનો આરોપ છે કે મુસ્લિમોને ખુશ કરવા હિંદુઓ પર હુમલા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે કહ્યું, ‘ઝારખંડની સ્થિતિ 90ના દાયકામાં કાશ્મીર અને હાલના બંગાળ-કેરળ જેવી ખરાબ બની રહી છે, જ્યાં રાજ્ય સરકારો મુસ્લિમ તુષ્ટિકરણની આડમાં હિંદુઓ પર થતાં હુમલાઓ સામે આંખ આડા કાન કરી રહી છે.’
તેમણે કહ્યું કે પાકુડના તારાનગર ગામમાં, બાંગ્લાદેશી ઘૂસણખોરોએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ મુખ્ય મંત્રી હેમંત સોરેનનું મૌન દર્શાવે છે કે આ ઘૂસણખોરોને સરકારનું મૌન સમર્થન છે. યાદ રાખો કે ઝારખંડને તાલિબાન નહીં બનાવવામાં આવે. તમારી સરકાર થોડા મહિનાની મહેમાન છે. બાદમાં આ ઘૂસણખોરો અને તેમના આશ્રયદાતાઓને પણ રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે.
શું છે ઘટના
પાકુડના મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદમાં તારાનગર ગામમાં બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસાનું કારણ એક યુવક દ્વારા સગીર બાળકીનો ફોટો/વિડિયો વાયરલ કરવાના આરોપમાં મારામારીનો હતો. અથડામણની માહિતી મળતા પોલીસ પર એક તરફના લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના બે વાહનોને પણ નુકસાન થયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર નવાદા ગામમાં મુસ્લિમ સમુદાયના એક છોકરાએ હિન્દુ છોકરીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેથી બુધવારે યુવતીના પરિવારજનોએ આરોપી છોકરાને માર માર્યો હતો. તેને બચાવવા ગયેલા છોકરાની માતાને પણ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે ગુરુવારે સવારે કોમી હિંસા થઈ હતી. પાકુડના ડીસી મૃત્યુંજય કુમાર બરણવાલે કહ્યું કે વહીવટી કાર્યવાહી બાદ ગામમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે.