Mumbai,તા,12
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે (Hindenburg) શનિવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા છે. માધબી પુરી બુચ દ્વારા પોતાની સામે લાગેલા આરોપો પર ખુલાસો કરાયા બાદ હવે હિંડનબર્ગે નવી પોસ્ટમાં કહ્યું છે કે બુચના જવાબથી હવે જાહેર થઇ ગયું છે કે બરમુડા/મોરેશિયસના એક અસ્પષ્ટ ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં SEBI ચીફના રોકાણની તથા વિનોદ અદાણી દ્વારા કથિતરૂપે કરાયેલા ગોટાળાના પૈસાની પણ પુષ્ટી થાય છે.
શું કહ્યું SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે?
જો કે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક નિવેદન જારી કરતાં માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે.
સેબીની કાર્યવાહીના જવાબમાં આ કૃત્યુ કર્યું હોવાનો દાવો
માધબી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્સિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે.
હિંડનબર્ગે પ્રથમ રિપોર્ટમાં આ આક્ષેપો કર્યા હતા
હિંડનબર્ગે દ્વારા શનિવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હિસલબ્લોઅર ડોક્યુમેન્ટ દર્શાવે છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.