High Volatility : મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ગાબડા

Share:

Mumbai,તા.08

ઈઝરાયેલના હમાસ, હિઝબુલ્લાહ પર આક્રમક સૈન્ય કાર્યવાહી બાદ ફરી હમાસના ઈઝરાયેલ પર રોકેટ મારાના પરિણામે ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર મહા એટેક કરી વળતો પ્રહાર થવાની ગણાતી ઘડીએ સાથે મિલ્ટન  વાવાઝોડાના પરિણામે ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થતાં અને બીજી તરફ ભારતને બાય બાય કરી ચાઈનાના મેગા રાહત-સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ચાઈનાના બજારોમાં મોટાપાયે વિદેશી રોકાણ પ્રવાહ ઠાલવવાની તૈયારીએ આજે ભારતીય શેર બજારોમાં હાઈ વોલ્ટેજ વોલેટીલિટીના અંતે અનેક શેરોના ભાવો ધડામ તૂટી ગયા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડયા સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. માત્ર આઈટી શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. શેરોમાં રોકાણકારોની સંપતિમાં આજે વધુ રૂ.૮.૯૦ લાખ કરોડના ધોવાણ  સાથે છેલ્લા પાંચ ટ્રેડીંગ દિવસોમાં રૂ.૨૫.૯૪ લાખ કરોડનું જંગી ધોવાણ થઈ ગયું છે. ફોરેન ફંડોએ પણ આજે  વધુ રૂ.૮૨૯૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. ચાઈનામાં ગોલ્ડન વિક નિમિતે બજારો અઠવાડિયું બંધ રહ્યા બાદ આજે ખુલવા પર ખેલંદાઓની નજર રહી છે.

ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૯૬૨, નિફટી ૩૨૦ પોઈન્ટ તૂટયો

સેન્સેક્સ, નિફટીમાં હાઈ વોલ્ટેજ વોલેટીલિટી જોવાઈ હતી. સેન્સેક્સ આરંભમાં બે-તરફી ૨૫૦થી ૩૦૦ પોઈન્ટની ચંચળતા બતાવી ઉપરમાં ૮૨૧૩૭.૭૭ સુધી જઈ પાછો ફરી એક તબક્કે ૯૬૨.૩૯ પોઈન્ટ ખાબકી નીચામાં ૮૦૭૨૬.૦૬ સુધી આવી ગયો હતો. જે  અફડાતફડીના અંતે  ૬૩૮.૪૫ પોઈન્ટ ઘટીને ૮૧૦૫૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં બે-તરફી વધઘટમાં ઉપરમાં ૨૫૧૪૩ સુધી ગયા બાદ એક તબક્કે ૩૨૦.૨૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૪૬૯૪.૩૫ સુધી ખાબકી અંતે ૨૧૮.૮૫ પોઈન્ટ ગબડીને ૨૪૭૯૫.૭૫ બંધ રહ્યો હતો.

બેંક શેરોમાં ધોવાણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આજ-સોમવારથી શરૂ થયેલી મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની ત્રણ દિવસીય મીટિંગ શરૂ થતાં અને ૯, ઓકટોબરના જાહેર થનાર નિર્ણયો પૂર્વે વ્યાજ દરમાં ખાસ ઘટાડો નહીં આવવાની શકયતા ચર્ચાઈ રહી હોઈ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૨૬.૨૩ પોઈન્ટ તૂટીને ૫૭૧૬૮.૦૯ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૯.૭૦ તૂટીને રૂ.૭૬૯.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૮.૨૫ તૂટીને રૂ.૨૪૨.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૩.૬૦ ઘટીને રૂ.૧૩૪૯.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૯૫ ઘટીને રૂ.૧૨૩૩.૧૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ કડાકો

કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે  હેમરીંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૦૮.૮૬ પોઈન્ટ તૂટીને ૬૮૭૯૨.૨૪ બંધ રહ્યો હતો. ભેલ રૂ.૧૦.૮૫ તૂટીને રૂ.૨૫૬.૬૦, કલ્પતરૂ પાવર રૂ.૪૯.૬૦ તૂટીને રૂ.૧૨૯૯, સિમેન્સ રૂ.૨૫૦.૯૫ તૂટીને રૂ.૭૦૦૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૨૨ તૂટીને રૂ.૪૧૩૫, ભારત ફોર્જ રૂ.૪૧.૩૦ તૂટીને રૂ.૧૪૩૪.૪૫, હનીવેલ ઓટોમેશન રૂ.૭૫૫.૪૫ તૂટીને રૂ.૪૭,૪૦૦ રહ્યા હતા.

મેટલ શેરો ઘટયા

ચાઈનાની રિકવરી માટે મેગા સ્ટીમ્યુલસ પેકેજની મેટલ-માઈનીંગ શેરોમાં પાછલા દિવસોમાં પોઝિટીવ અસર બાદ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. વેદાન્તા રૂ.૮.૭૫ ઘટીને રૂ.૫૦૦.૧૫, ટાટા સ્ટીલ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૬૪.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૧૦૨૧.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૬૬.૪૮ પોઈન્ટ ગબડીને ૩૩૫૧૧.૧૪ બંધ રહ્યો હતો.

ઓઈલ શેરોમાં વેચવાલી

ઓઈલ ઈન્ડિયા રૂ.૨૫.૨૦ ઘટીને રૂ.૫૪૭.૦૫, આઈઓસી રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૬૨.૭૫, એચપીસીએલ રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૩૯૩.૪૫, ઓએનજીસી રૂ.૫.૭૫ ઘટીને રૂ.૨૮૯.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૮૫ ઘટીને રૂ.૨૭૪૦.૯૫, બીપીસીએલ રૂ.૬.૫૦ ઘટીને રૂ.૩૩૪.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૨૬.૪૭ પોઈન્ટ ઉછળીને ૨૯૭૮૨.૫૮ બંધ રહ્યો હતો.

ઓનલી સેલરના પાટીયા

સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં ગભરાટભરી મોટી વેચવાલી નીકળતાં ઓનલી સેલરના પાટીયા ઝુલવા લાગી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૯૩ અને વધનારની સંખ્યા માત્ર ૫૬૮ રહી હતી.

FPIs/FIIની રૂ.૮૨૯૩ કરોડની વેચવાલી

એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૮૨૯૩.૪૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. આમ આ સપ્તાહના  પાંચ દિવસમાં ફોરેન ફંડોએ કુલ રૂ.૪૮,૮૦૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી વચવાલી કરી છે. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૩,૨૪૫.૧૨ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૮.૯૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૧.૯૯ લાખ કરોડ

વોલેટીલિટી વચ્ચે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત કડાકા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે  એક દિવસમાં રૂ.૮.૯૦  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૧.૯૯  લાખ કરોડ રહી ગયું હતું. આમ પાંચ  ટ્રેડીંગ દિવસમાં રોકાણકારોની સંપતિ ૨૭, સપ્ટેમ્બરના રૂ.૪૭૭.૯૩ લાખ કરોડથી રૂ.૨૫.૯૪ લાખ કરોડ ધોવાઈ ગયું છે.

NSEના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નિફટીનો હિસ્સો ૨૫ વર્ષના તળીયે

ભારતીય શેર બજારોમાં પાછલા વર્ષોમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણકારોના વધેલા આકર્ષણ અને પ્રાઈમરી માર્કેટમાં પબ્લિક ઈસ્યુઓની ભરમારના પરિમામે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં નિફટી ૫૦ કંપનીઓનો હિસ્સો ઘટીને ૨૫  વર્ષના તળીયે પહોંચ્યો છે.

નાણા વર્ષ ૨૦૨૧ થી નાણા વર્ષ ૨૦૨૪ દરમિયાન એનએસઈમાં ટોચની ૫૦ નિફટી કંપનીઓનો હિસ્સો ૫૮.૯ ટકાથી ઘટીને ૪૬.૬ ટકા રહ્યો છે. આ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહી ૩૧, ઓગસ્ટના અંતે નિફટી કંપનીઓનો એનએસઈનો કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૬૧.૧૦ લાખ કરોડમાં ૪૩.૯ ટકા રહ્યો હોવાનું એક્સચેન્જના આંકડા દર્શાવે છે. નિફટી ૫૦ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન  સાડા ચાર વર્ષમાં ૭૭ ટકા વધ્યું છે, જ્યારે સ્મોલ કંપનીઓનું માર્કેટ કેપ ૧૯૨ ટકા વધ્યું છે. એનએસઈ પર માર્કેટ કેપ.ની રીતે ટોચની ૧૦૦ કંપનીઓ લાર્જ કેપ ગણવામાં આવે છે. ત્યાર બાદની ૧૫૦ કંપનીઓના શેરો ૧૦૧થી ૨૫૦ કંપની મિડ કેપ અને એ ૨૫૦ પછીની ૫૦૦ સુધીની કંપનીઓને સ્મોલ કેપ ગણવામાં આવે છે.

ટોચની ૫૦ કંપનીઓના માર્કેટ કેપ.માં ૭૭ ટકા વધારો થયા સામે મિડ કેપ શેરોના માર્કેટ કેપ.માં ૧૫૨ ટકા અને સ્મોલ કેપ કંપનીઓના માર્કેટ કેપમાં  ૨૧૯ ટકા અને ૨૫૦ માઈક્રો કેપ શેરોના માર્કેટ કેપ.માં ૩૩૪ ટકાનો વધારો થયો છે. નાની કંપનીઓના માર્કેટ કેપ.માં પણ ૨૬૯ ટકાનો વધારો થયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *