Ahmedabad,તા.29
ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે. સરકાર ભલે ગમે તેટલી ડીંગો હાંકે પણ ચોમાસુ આવે ત્યારે દર વર્ષે આ જ સમસ્યા યથાવત રહે છે.
વિકાસ કામ પાછળ કરોડ રૂપિયાનો ઘૂમાડો
સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઇ છે. અમદાવાદ શહેરોના માળખાકીય વિકાસ પાછળ સરકારે 5 વર્ષમાં કુલ 82.611 કરોડ રૂપિયાનો ઘૂમાડો કર્યો પણ શહેરોની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ભ્રષ્ટાચાર થકી કાળી કમાણી કરવાની જાણે દોડ લાગી છે. ત્યારે કહેવાતી સ્માર્ટ સિટીમાં રખડતાં ઢોર, ભૂવા- ખાડાખૈયાવાળા માર્ગો, ટ્રાફિક, ઠેર ઠેર ગંદકી અને દૂષિત પાણી જેવી ઘણી સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. તેનું કારણ એછે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર વકર્યો છે. આ જોતાં લાગે છે કે, વિકાસના કામો પાછળ ખર્ચાયેલાં નાણાં પાણીમાં ગયાં છે.
ગુજરાતમાં શહેરી વિકાસના નામે રાજ્ય સરકારે 21,696 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. પરંતુ મોટાભાગના રૂપિયા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં ચવાઈ જાય છે. સરકાર ભલે ‘ઇઝ ઓફ લિવિંગ’ના સૂત્રો આપે પણ કડવી વાસ્તવિકતા એછે કે, અમદાવાદ જેવા શહેરોમાં આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે. પરંતુ મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને ચૂંટાયેલાં જન પ્રતિનીધીઓની મીલીભગતને લીધે રોડ રસ્તા સહિત વિકાસના કામો હલકી ગુણવત્તાના થઇ રહ્યાં છે જેના લીધે પ્રજાને ભોગવવાનું થયુ છે. મહત્વની વાત તો એછે કે,અદાલતોની ફટકાર છતાંય ભાજપના પદાધિકારી, સરકારી બાબુઓ સુધરતા નથી.
ગુજરાતમાં જાણે અંધેર વહીવટ ચાલી રહ્યો છે. તેવો રાજ્યની જનતા અહેસાસ કરી રહી છે જો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાચા અર્થમાં વપરાય, ભ્રષ્ટાચાર વિના ગુણવત્તાલક્ષી કામો થાય તો પ્રજાની ફરિયાદો ઓછી થાય. પણ એવું કઇ થતુ નથી. પરિણામે અંધેર તંત્રમાં ચારેકોર સમસ્યા વકરી છે.
ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી
આજે ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઇ છે. ચોમાસાના સામાન્ય વરસાદમાં વિકાસના કામો ધોવાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્માર્ટ સિટીનું નામ અપાયુ છે પણ રખડતાં પશુઓ, અનિયંત્રિત ટ્રાફિક, ખરાબ માર્ગો, ફુટપાથ પરના દબાણો, ગંદકીના ઢગલાં અને દૂષિત પાણીની સમસ્યા જ જાણે શહેરોની જાણે ઓળખ બની ગઇ છે. અમદાવાદ સહિત મુખ્ય શહેરો જ નહીં, 156 નગરપાલિકાઓનો વહીવટ પણખાડે ગયો છે. 80 ટકા પાલિકાઓની તિજોરી તળીયા ઝાટક થઇ જતાં વિકાસના કામો ખોરવાઇ ગયાં છે. કર્મચારીઓને પગાર કરવાના રૂપિયા રહ્યાં નથી.
ત્રણ ઈચ વરસાદ વરસતાં શહેરોની હાલત કફોડી બને છે
અમદાવાદ જ નહીં, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરની દશા બેઠી છે. ચોમાસામાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદ વરસતાં શહેરોમાં હાલત કફોડી બની જાય છે. જો 10થી 12 ઇંચ વરસાદ પડે તો કેવી હાલત હોઇ શકે છે. તેની કલ્પના કરવી રહી. સ્વચ્છ અર્બન મિશન હેઠળ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા જાણે વરસાદી પાણીમાં ગયા છે. હાઇકોર્ટે પણ આ મામલે સરકાર-મ્યુનિ.કોર્પોરેશની આકરી ઝાટકણી કાઢી છે પણ જાણે બઘુ વ્યર્થ છે. નવાઇની વાત તો એછેકે, લાખો-કરોડોના ખર્ચે નિર્માણ થયેલાં પુલોમાં વરસાદી પાણીથી ગાબડાં પડવા માંડ્યા છે. કોઇ ચોક્કસ પોલીસી નથી પરિણામે કોન્ટ્રાક્ટર- ભ્રષ્ટ અધિકારીઓને બલ્લે બલ્લે થઇ છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે કોઇ નકકર આયોજન કર્યું નથી પરિણામે સ્માર્ટ સિટી નામ પડતાં જ લોકો મજાક ઉડાવી રહ્યા છે. ટૂંકમાં, સ્માર્ટ સિટીના નામે થતાં વિકાસના કામો હકીકતમાં ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ સાબિત થયો છે.