Gujarat,તા,25
દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીની દાંડી કૂચ નિર્ણાયક સ્થાન ધરાવે છે. આ કૂચથી બ્રિટિશ સરકાર વિરુદ્ધ પ્રજાકીય જાગૃતિનું પ્રચંડ મોજું ઊભું થયું અને ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં તે પ્રખર લોકજાગૃતિની ઘટના બની રહી. દાંડી કૂચનું આ મહત્ત્વ વર્તમાન જ નહીં ભાવિ પેઢી પણ સમજી શકે માટે 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા દાંડી હેરિટેજ રૂટનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ટૂરિઝમના ‘જૂના અને જાણીતા’ ઉદાસીન વલણને કારણે 19 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ ઘૂળ ખાઇ રહ્યો છે અને આ રૂટમાં આવતા ઐતિહાસિક સ્મારકો બિસ્માર શબ્દના પૂરક બની ગયા છે.
મનમોહનસિહે દાંડીયાત્રાના માર્ગને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી
દાંડી હેરિટેજ રૂટમાં 21 સ્થાને રાત્રિ રોકાણની સુવિધા, દાંડી ખાતે નેશનલ સોલ્ટ મ્યૂઝિયમ ધૂળ ખાઇ રહ્યા છે. મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસ બાદ 241 માઈલ દૂર પાંચ એપ્રિલે દાંડી પહોચ્યાં હતા. 2005માં ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિહે એવી જાહેરાત કરી હતી કે દાંડીયાત્રાના સમગ્ર માર્ગને હેરિટેજ રૂટ તરીકે વિકસાવાશે અને એ પ્રોજેક્ટ માટે રૂ. 2500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ હતો હેરિટેજ રૂટનો હેતુ
કોઇ પણ વ્યક્તિ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરે અને યાત્રા દરમિયાન સત્યાગ્રહીઓ જ્યાં-જ્યાં વિસામો લીધો હતો તે સ્થાનની તેઓ મ્યૂઝિયમ-સ્થાપત્યો દ્વારા અનુભૂતિ મેળવે અને છેલ્લે દાંડી ખાતે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે આ યાત્રાનું સમાપન થાય એ આ હેરિટેજ રૂટ પાછળનો હેતુ હતો. પરંતુ ગુજરાત ટૂરિઝમની ‘ખાસિયત’ છે કે તેમને કોહીનૂર હીરો પણ આપવામાં આવે તો તેને પણ એવો જર્જરિત કરી મૂકે કે તે છેવટે સામાન્ય પથ્થર જ બની જાય.
ગુજરાત ટૂરિઝમેં આ પ્રોજેક્ટનો પૂરતો પ્રસાર જ કર્યો નથી
આ જ રીતે દાંડી હેરિટેજ યાત્રાનો ઉમદા પ્રોજેક્ટ પણ હવે ગુજરાત ટૂરિઝમે ખતમ કરી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો ત્યારે તેમાં 21 જગ્યાઓ રાત્રિ રોકાણ સહિતની સુવિધાનો સમાવેશ થતો હતો. પરંતુ સ્થિતિ એવી છે કે ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને આ પ્રોજેક્ટનો પ્રસાર જ નહીં કર્યો હોવાથી ક્યાં-ક્યાં રાત્રિ રોકાણની સુવિધા છે તે કોઇ પ્રવાસીને જ ખ્યાલ નહીં હોય. એટલું જ નહીં આ રૂટમાં જ્યાં-જ્યાં મ્યૂઝિયમ બનાવાયા છે અને રાત્રિ રોકાણની સુવિધા છે ત્યાં ભૂતિયા કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા હોવાની વિગતો સામે આવી છે.
નેશનલ સોલ્ટ મ્યૂઝિયમ ધૂળ ખાઈ રહ્યું છે
દાંડી ખાતે પણ આવી જ ખરાબ સ્થિતિ છે. સુવિધાને અભાવે પ્રવાસીઓ ત્યાં ભાગ્યે જ આવે છે. નેશનલ સોલ્ટ મ્યૂઝિયમ ઉજ્જડ હાલતમાં છે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો માત્ર કાગળ પર છે. એક તરફ સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ દાંડી હેરિટેજ રૂટની હાલત બદ થી બદતર છે.
દાંડી હેરિટેજ રૂટમાં કયા સ્થળ આવે છે?
સાબરમતી આશ્રમથી પ્રારંભ, અસલાલી, નવાગામ, માતર, નડિયાદ (સંતરામ મંદિર), આણંદ, બોરસદ, કનકપુરા, કારેલી, આંખી, આમોદ, સામીને, દેથ્રોલ, અંકલેશ્વર, માંગરોળ, ઉમરાછી, ભટગામ, દેલાડ, સુરત, વાંઝ, નવસારી, દાંડી.
પ્રવાસીઓ દાંડી તરફ કૂચ જ કરે નહીં તેવી સ્થિતિ
– મૂળ પ્રોજેકટમાં દાંડી યાત્રામાં રાત્રિ રોકાણની સુવિધા હતી પણ હાલ ત્યાં કોઇ રણીપણી નથી
– હેરિટેજ રૂટમાં મ્યુઝિયમમાં ભૂતિયા કર્મચારી હોવાની પણ કરિયાદો
– દાંડી ખાતે નેશનલ સોલ્ટ મ્યૂઝિયમ ઉજજડ હાલતમાં છે. દાંડીની ઐતિહાસિક સાઇટની પણ બદતર હાલત.