New Delhi,તા.3
ગુજરાતમાં છેલ્લા વર્ષોથી કેફી પદાર્થો ડ્રગ્સ પકડાવાનો સિલસિલો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓએ એક રીપોર્ટ તૈયાર કરીને ગુજરાત સહીત ત્રણ માર્ગો ડ્રગ્સ તસ્કરી માટે સ્વર્ગ સમાન હોવાનું જાહેર કર્યું છે.
સુરક્ષા એજન્સીઓનાં રીપોર્ટ મુજબ ડ્રગ્સ માફીયાઓ કેફી પદાર્થો ઘુસાડવા માટે સમુદ્ર તથા જમીન માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ દ્વારા ડ્રગ્સની દાણચોરી માટે અપનાવાતા રૂટ તથા મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરવામાં આવ્યો છે.
ભારતીય સુરક્ષા ઉપરાંત ગુપ્તચર એજન્સીઓએ ઈન્ટરપોલ મારફત અન્ય દેશોની સુરક્ષા એજન્સીઓની મદદથી આ અભ્યાસ રીપોર્ટ તૈયાર કર્યો છે. ભારતમાં ડ્રગ્સની ખેપ સૌ પ્રથમ પહોંચે છે તેને ‘ગોલ્ડન ક્રિસેંટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
ગુપ્ત માર્ગે ઈરાન, અફઘાનીસ્તાન, પાકિસ્તાન થઈને પંજાબ માર્ગે ભારતમાં ખેપ પહોંચાડાતી હતી. પંજાબ બોર્ડરે વધારાતા રાજસ્થાન માર્ગેથી પંજાબના રસ્તો તૈયાર કરાયો હતો.
રીપોર્ટમાં ડ્રગ્સ તસ્કરી માટે ત્રણ રૂટની ઓળખ કરવામાં આવી છે. પ્રથમ રૂટ ઈરાનથી અરબી સમુદ્રનાં માર્ગે પાકિસ્તાન થઈને લક્ષદ્વિપનો છે બીજો રૂટ સમુદ્ર માર્ગે કેરળ, કર્ણાટક, ગોવા તથા મહારાષ્ટ્રમાં ઘુસાડવાનો છે.
ત્રીજો રૂટ પાકિસ્તાન ઈરાનથી સીધી ગુજરાતમાં જ પહોંચાડાય છે.આ માટે ડ્રગ્સ માફીયાઓએ પોતાના નેટવર્કમાં સ્લીપર સેલ જેવા એજન્ટો ગોઠવ્યા છે. દરીયાઈ જહાજ, હોડી તથા કન્ટેનરમાં કાયદેસરના સામાનની સાથોસાથ ડ્રગ્સ પણ ઘુસાડવામાં આવે છે.
રીપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં ડ્રગ્સના કેસોમાં અસામાન્ય વધારો થયો છે. વર્ષો વર્ષ તેના કેસ વધી રહ્યા છે. 2017 માં 376 કેસોમાં 512 લોકોની ધરપકડ થઈ હતી. 2023 માં 1325 કેસ નોંધાયા હતા અને 1736 લોકોની ધરપકડ થઈ હતી.