Gandhinagar,તા.21
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે.’
પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.’
ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે.