Ahmedabad માં પાંજરાપોળ ફ્લાય ઓવર સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Share:

Ahmedabad,તા,12 

અમદાવાદના પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગંભીર અને મહત્ત્વની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલની પીઆઇએલ સર્વોચ્ચ જનહિતના મહત્ત્વના મુદ્દા ઉઠાવતી રિટ અરજી છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફલાય ઓવર બ્રિજ બનાવવાની પ્રક્રિયામાં ખામી સહિતના અગત્યના સંબંધિત મુદ્દાઓ ઉજાગર કરે છે.’

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હુકમમાં મહત્ત્વનાં અવલોકનો

ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતાં સાફ શબ્દોમાં જણાવ્યું કે, ‘હાલની આ રિટ અરજીમાં રેકર્ડ પર મૂકાયેલા નિષ્ણાત સંસ્થાઓના રિપોર્ટને ધ્યાને લેતાં અ.મ્યુ.કો. દ્વારા રસ્તાઓના પ્લાનીંગનો મામલો ગંભીર વિચારણા માંગી લે તેવો છે.’ હાઇકોર્ટે પાંજરાપોળ જંકશનથી ડો.વિક્રમ સારાભાઈ માર્ગ(આઇઆઇએમ રોડ) પર ફલાય ઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા-નિર્ણય સંબંધી તમામ રેકોર્ડ અને મટીરીયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો.

અ.મ્યુ.કો.એ અમદાવાદના રસ્તાઓ અને જંક્શનના ટ્રાફિકને લઈ દેશની જે બે સર્વોચ્ચ નિષ્ણાત સંસ્થા આઈઆઈટીરામ અને સીએસઆઈઆરની પાસેથી રિપોર્ટ મંગાવ્યા હતા. તે અંગે હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નોંધ લેતાં ચુકાદામાં ટાંક્યુ હતું કે, ‘આ રિપોર્ટ પ્રમાણે, પાંજરાપોળ જંકશન પર ટ્રાફિક ખૂબ જ ઓછો છે અને આ જંકશન પર ફલાય ઓવરની દરખાસ્ત એ આઈઆઈટિરામ અને સીએસઆઇઆરની ભલામણોની ધરાર અવગણના કરીને હાથ ધરાયેલી કવાયત છે. આ જંકશન પર ટ્રાકિકનો એવો કોઈ જ નોંધપાત્ર સમસ્યા નહીં હોવાથી પાંજરાપોળ ફલાય ઓવર માટેની કોઈ જરૂરિયાત જ જણાતી નથી.’

હાઇકોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઈઆઈટીરામ (ઈન્સ્ટીટ્યુટ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ  મેનેજમેન્ટ) અને સીએસઆઈઆર (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટટ્યુટ, નવી દિલ્હી)ને અમદાવાદ શહેરના રોડ-રસ્તાના માળખાકીય સર્વગ્રાહી અભ્યાસ માટે એન્ગેજ કર્યા છે. આ બંને નિષ્ણાત સંસ્થાઓએ શહેરના 34 જંકશનનો સર્વગ્રાહી રિપોર્ટ વર્ષ 2010માં રજૂ કર્યો હતો. અ.મ્યુ.કો. તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, આ બંને નિષ્ણાત સંસ્થાઓ દ્વારા અમદાવાદમાં મોટા રોડ કોરિડોરને લઈને જંકશન સુધારણા માટે ટ્રાફિક અભ્યાસ અંગેનો રિપોર્ટ પણ વર્ષ 2012માં રજૂ કરાયો હતો. અ.મ્યુ.કો. પાંજરાપોળ જંકશન ખાતે સૂચિત સુધારણા બાબતે અભ્યાસ કરવા અંગે આઈઆઈટીરામને ભલામણ કરી હતી. અરજદારપક્ષ તરફથી આ બંને સંસ્થાઓના રિપોર્ટની ભલામણોને અવગણીને અ.મ્યુ.કો સત્તાવાળાઓ પાંજરાપોળ ફલાય ઓવર નિર્માણ કરી રહ્યા હોવાની હકીકત અદાલતના ધ્યાન પર મૂકી હતી.

પાંજરાપોળ ફલાયઓવર મામલે હાઈકોર્ટમાં રજૂ થયેલા મુદ્દા

•પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી ફ્લાય ઓવરની કોઈ જરૂર નથી, કારણ કે, પહેલેથી જ એક ફલાય ઓવર છે.

•આ ફલાય ઓવર નિર્માણ માટે વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોનું આડેધડ છેદન થશે, જે પર્યારવણીય દ્રષ્ટિકોણથી કોઈ સંજોગોમાં ના ચાલે.

•આ સમગ્ર વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોના કારણે ગ્રીન કવરથી હરિયાળો છે.

•અ.મ્યુ.કો સત્તાધીશો તેમના અણઘડ આયોજન હેઠળ આ હરિયાળા ગ્રીન કવરનું નિકંદન કાઢવા માંગે છે, જેની મંજૂરી આપી શકાય નહીં.

•વર્ષ 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે.

•અમદાવાદ શહેરમાં 2011થી 48 ટકા જેટલું ગ્રીન કવર ઘટી ગયું છે. આ બ્રિજ બનાવવા જે રણજીત બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાકટ અપાયર્યો છે, તેનો ટ્રેક રેકોર્ડ સારો નથી.

•પર્યાવરણના ભોગે માત્ર કોન્ટ્રાક્ટર કંપનીને કમાવી આપવાના આશયથી આ પ્રકારે બ્રિજ નિર્માણની મંજૂરી આપી શકાય નહીં.

•કોઇપણ રીતે આ ફલાય ઓવરની જરૂરિયાત નહીં હોવાથી હાઈકોર્ટે તેના નિર્માણ માટેની મંજૂરી આપવી જોઇએ નહીં.

રણજીત ગ્રૂપ કન્સ્ટ્રકશન સંબંધી ગેરરીતિઓમાં સંડોવાયેલું છે

ધારિણી શાહ તથા અન્ય તરફથી કરાયેલી પીઆઈએલમાં સિનિયર એડવોકેટ મીહિર ઠાકોરે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ‘રણજીત બિલ્ડકોન લિ. અને રણજીત કન્સ્ટ્રકશન કંપની આ બંને એક જ ગ્રૂપ છે, જેનો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ અને નબળી છે. ખાસ કરીને રણજીત ગ્રૂપ કન્સ્ટ્રકશન સંબંધી ગંભીર ગેરરીતિઓમાં સંડોવાયેલું છે. જેમાં સુરતમાં જમનાબા પાર્ક અને અનુવ્રત દ્વાર વચ્ચે રોડ પહોળો કરવાના પ્રોજેકટની કન્સ્ટ્રક્શન દરમિયાનની દુર્ઘટનામાં બે વર્ષની એક માસૂમ બાળકી મૃત્યુ થયું હતું. ઘણાં મજૂરોને પણ ઈજાઓ પહોંચી હતી. રણજીત બિલ્ડકોન લિ.ના કામને લઈ સુરતમાં આવા અન્ય બે બનાવો પણ નોંધાયા હતા.

સાબરમતી રિવરફ્રન્ટમાં રણજીત ગ્રુપે ગેરરીતિઓ કરેલી

અરજદારપક્ષ તરફથી એ મુદ્દે પણ હાઈકોર્ટનું ધ્યાન દોરાયું અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં પણ ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં ખુદ કોર્ટ સહાયકે જ તેમના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના ચોક્કસ ભાગના બાંધકામ માટે રણજીત બિલ્ડકોન લિ.ને કામ અપાયું હતું અને તેણે એક કૃત્રિમ સેઝ પુલ બનાવ્યો હતો. જેના કારણે દૂષિત સુએઝ તેમાં એકત્ર થતુ હતુ અને નદીમાં પાણીનો પ્રવાહ અટકાવ્યો હતો, જેને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *