Ahmedabad,
ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, મોટાભાગની સંસ્થાઓમાં રહેમરાહે નિમણૂકની નીતિ કે યોજના મૃત્યુ પામેલા કર્મચારીના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવાના પવિત્ર આશયથી લાગુ કરવામાં આવી હોય છે, તેથી આવી નીતિ કે યોજનાના દૂરપયોગ કરવાની કોઈને પણ મંજૂરી આપી શકાતી નથી.
પ્રતિષ્ઠિત વીમા કંપની LICમાં ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર વર્ગ-1ના અધિકારીની પત્નીએ બધા લાભો મેળવ્યા છતાં તેના પુત્રને રહેમરાહે નોકરી આપવા મુદ્દે કરેલી અરજી નામંજૂર કરવાના LIC સત્તાવાળાઓના નિર્ણયને પડકારતી રિટ અરજી ફગાવતાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે અરજદારના લોકસ સ્ટેન્ડાઈ (અરજી કરવાના અધિકારક્ષેત્ર)ને લઈને પણ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો.
હાઇકોર્ટે અરજદાર વિધવા માતાને એક તબક્કે રૂ.50 હજાર દંડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી પરંતુ રહેમરાહે નોકરી એક પરોપકારી યોજના હોઈ તેમ જ અરજદાર માતાનો એક માત્ર હેતુ તેના પુત્રને નોકરી અપાવવા સિવાય બીજો કોઈ નહી હોવાથી હાઈકોર્ટે તેની પર દંડ લાદવાનું ટાળ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સ્વર્ગસ્થ કર્મચારીની પત્નીએ તેના પુત્ર માટે રહેમરાહે નિમણૂક માટે અરજી કરી છે પરંતુ અરજદારનો પુત્ર પોતે પુત્ર છે અને તેણે LICમાં કોઇ અરજી કરી નથી કે, તેણે LICના નિમણૂક નહી આપવાના નિર્ણયને પડકાર્યો નથી. અરજદારનો પુત્ર પુખ્ત હોવાના કારણે અરજદાર માતાને રહેમરાહે નિમણૂક માટેની અરજી કરવાનો કોઈ અધિકાર નથી અને તેથી હાલની રિટ અરજી ફગાવી દેવામાં આવે છે.
અરજદાર માતા તરફથી કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તેના પતિ LICમાં વર્ગ-1ના પદ પર અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ચાલુ ફરજ દરમ્યાન ગત તા.17/08/2025ના રોજ ગુજરી ગયા હતા. જેથી અરજદારે તેમના પુત્રની LICની રહેમરાહે નિમણૂક અંગેની યોજના અને નિયમોને લઈ પોતાના પુત્રની રહેમરાહે નિમણૂક મેળવવા LICમાં અરજી કરી હતી.
જો કે, LIC સત્તાવાળાઓએ તેમનું કુટુંબ જરૂરી લાભો મેળવનાર પરિવાર હોવાનું ઠરાવી તેમની અરજી તા.01/12/2022એ નામંજૂર કરી હતી. જેની સામે અરજદારે કરેલી રજૂઆત પણ તા.28/12/2022ના રોજ નામંજૂર થઈ હતી. જેથી અરજદારને પોતાના પુત્રને રહેમરાહે નિમણૂક અપાવવા હાઈકોર્ટમાં રિટ કરવાની ફરજ પડી છે.
દરમ્યાન LIC તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, અરજદારનો પરિવાર એલઆઇસી તરફથી ચૂકવાયેલા પેન્શન સહિતના તમામ આર્થિક લાભો મેળવનાર પરિવાર છે. અરજદારના પરિવારને સ્વર્ગસ્થ કર્મચારીના નિધન પેટે ટર્મિનલ બેનીફીટ પેટે રૂ.1કરોડ 85 લાખ અપાયા છે. આ સિવાય તેમને રૂ.45,000 જેટલું માસિક પેન્શન અને તેમની પુત્રીને સ્ટાઇપેન્ડ પેટે રૂ.84,000 ચૂકવાઈ રહ્યા છે. આ સંજોગોમાં અરજદારનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં કહી શકાય નહીં.
રહેમરાહે યોજના માત્ર જરૂરિયાતમંદ કે કર્મચારી ગુજરી જવાથી શોકગ્રસ્ત પરિવાર જયારે બાકીના સભ્યોના ગુજરાતનનો બોજો ઉઠાવી ના શકે તેવી સ્થિતિમાં હોય તેઓ માટે છે. તેથી હાલની અરજદારની અરજી ટકી શકે નહી.