Gujarat BJP નું નવું સંગઠન ‘શુધ્ધ’ હશે : દસ વર્ષમાં આવેલાને, પક્ષ પલ્ટુઓને સ્થાન નહીં

Share:

Gujarat, તા.28
ગુજરાત ભાજપને આંચકા આપવા માટે જાણીતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ હવે થોડા જ દિવસમાં તેમનો હોદ્દો છોડી રહ્યા છે તે પૂર્વે હવે પક્ષમાં વોર્ડથી લઇ જિલ્લા પંચાયત સુધીના હોદાઓમાં છેલ્લા દસ વર્ષથી જે લોકો સક્રિય સભ્ય રહ્યા હોય તેમને જ ભવિષ્યમાં હોદાઓ માટે પસંદ કરવામાં આવશે તેવું જાહેરાત કરવાની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોમાં પણ હોદાઓની ઉંમર મર્યાદા નિશ્ચિત થઇ છે.

આથી ભાજપના સંગઠનમાં હવે પ્રથમ વખત કોંગ્રેસ કે અન્ય પક્ષના આયાતીઓની છાંટ જોવા મળશે નહીં ખાસ કરીને જે લોકો છેલ્લા દસ વર્ષમાં ભાજપમાં જોડાયા છે તેઓને આ પ્રકારના સંગઠનમાં મહત્વપૂર્ણો એટલે કે વોર્ડ કક્ષાએ પ્રમુખ કે તાલુકા-શહેર, જિલ્લા અને મહાનગરોમાં પણ હોદા મળશે નહીં.

આમ પાટિલે વધુ એક વખત પક્ષમાં વોર્ડથી લઇને જિલ્લા કક્ષા સુધીના પ્રમુખોમાં ઉંમર મર્યાદાની સાથે સક્રિય સભ્ય હોવા અંગે પણ માપદંડ નિશ્ચિત કરી લેતા છેલ્લા દસ વર્ષથી ભાજપમાં આવેલા કોંગ્રેસ સહિતના પક્ષોના ટોચના લોકોને પણ સંગઠનમાં સ્થાન નહીં મળે આમ સંગઠનને ભાજપે ગંગાજળથી સ્વચ્છ કરવાની તૈયારી કરી છે.

ગઇકાલે જ ગાંધીનગર ખાતે ભાજપની સંગઠનાત્મક બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે સ્પષ્ટ કર્યું હતું કે સતત બે વખત જેઓ સક્રિય સભ્ય રહ્યા હોય તેના માટે જ હવે સંગઠનમાં પ્રમુખ તરીકેના હોદાઓ પર તેઓ આવી શકશે. છેલ્લે ભાજપમાં 2016માં સક્રિય સભ્ય પદની નોંધણી શરુ થઇ હતી અને 2020માં બીજી વખત સક્રિય સભ્ય બન્યા આમ છેલ્લા આઠ વર્ષથી જેઓ સક્રિય સભ્ય હોય તેઓ જ નવા સંગઠનમાં વોર્ડથી લઇ જિલ્લા સુધીના પ્રમુખ પદે આવી શકશે.

આ ઉપરાંત વોર્ડ અને તાલુકા કક્ષાએ સંગઠનમાં પ્રમુખ માટે 40 વર્ષની  ઉંમર મર્યાદા બાંધવામાં આવી છે અને જિલ્લા અને મહાનગરમાં 60 વર્ષની ઉંમર મર્યાદા નિશ્ચિત થઇ છે. તાલુકા કક્ષાએ જો આ મર્યાદા મુજબના સભ્યો ઉપલબ્ધ ન હોય તો તેમાં પાંચ વર્ષની છૂટછાટ અપાઇ છે પરંતુ મહાનગર કે જિલ્લાઓમાં તે છૂટછાટ અપાશે નહીં.

બીજી તરફ ભાજપે સંગઠન પર્વનો બીજો તબકકો શરુ કરી દીધોે છે અને તેમાં હવે તા.1 ડિસેમ્બરથી વોર્ડ અને તાલુકા કક્ષાએ સંગઠન રચવાનો પ્રારંભ થઇ જશે. ભાજપ તા.5 થી સંગઠનનો બીજો તબકકો શરુ થશે જે તા.15 સુધી ચાલશે જેમાં શહેર અને તાલુકા કક્ષાઓના હોદેદારો નિયુક્ત થઇ જશે જ્યારે જિલ્લા અને મહાનગરમાં પ્રમુખ નિયુક્તિની પ્રક્રિયા તા.31 ડિસે. સુધીમાં પુરી થઇ જશે.
ગુજરાતમાં ભાજપના સંગઠનની રચનાની કામગીરી આગળ વધી રહી છે તે સમયે પક્ષમાં સક્રિય સભ્ય નોંધણીમાં પણ સામાન્ય સભ્યની જેમ લક્ષ્યાંક પુરો ન થાય તે નિશ્ચિત બન્યું છે. વાસ્તવમાં જે લોકોને પક્ષમાં હોદો જોઇતો હોય તેમાં તેઓએ ઓછામાં ઓછા 100 સક્રિય સભ્ય બનાવવા જરુરી છે પરંતુ આ મર્યાદા નક્કી કરાતા પક્ષના અનેક પીઢ નેતાઓએ પોતાની રીતે નિવૃત્તિ લઇ લીધી હોય તેમ સક્રિય સભ્યો બનાવવાનું ટાળ્યું હતું. 

રાજકોટમાં પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોએ બે-પાંચ સક્રિય સભ્ય બનાવીને  સંતોષ વ્યકત કર્યો હતો. તેઓને ખાત્રી હતી કે ભવિષ્યમાં કે સરકારમાં કોઇ હોદ્ો મળવાનો નથી અને તેથી જ તેઓએ વધુ મહેનત કરવાનું ટાળ્યું હતું.
ગઇકાલે પક્ષના સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી કરી જશે તેવો સંકેત આપ્યો હતો. તેમણે નવા પ્રદેશ પ્રમુખ અંગે ચાલી રહેલી અટકળોમાં જવાબ આપતા કહ્યું કે આ હોદા પર બહુ જલ્દી કોઇ નવા વ્યકિત આવશે નહીં. તમારે મને હજુ થોડો સમય સહન કરવો પડશે આમ કહીને તેમણે પ્રદેશ પ્રમુખ માટે જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે તેવું જણાવી દીધું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *