Kutch,તા.30
અનરાધાર વરસાદના લીધે ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્જાયેલા ભારે દબાણની સ્થિતિને જોતાં 12 કલાકમાં ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં વાવાઝોડાની આશંકા વ્યકત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ડીપ ડિપ્રેશન કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યું છે. તે નલિયાથી માત્ર 50 કિ.મી. દૂર છે. ત્યારે કચ્છ જિલ્લાના માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરુ થઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધારપટ છવાઈ ગયો છે.
કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે, આગાહી મુજબ તા. 30/08/2024ના સવારે 04:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગે ચક્રવાતી વાવોઝોડાના લીધે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. હવામન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના કચ્છ, મોરબી, જામનગર, દ્રારકામાં આજે અને આવતીકાલે(30 ઑગસ્ટ)ના રોજ ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
અરબ સાગરથી આવી રહ્યું છે ‘અસના’ નામનું વાવાઝોડું
જો કે હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં ‘અસના’ નામનું ચક્રવાત બનવા જઈ રહ્યું છે, 1976 બાદ આ પ્રકારનું પ્રથમ ચક્રવાત હશે. હવામાન વિભાગના અનુસાર ચક્રવાત ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં ઉત્પન્ન થશે. ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ પ્રવેશ કરી ચૂક્યું છે અને હવે ચક્રવાતમાં બદલાવની આશા છે. તે કચ્છ તટેથી આગળ વધ્યા બાદ ઉત્તર-પૂર્વી અરબ સાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધવાની પણ સંભાવના છે.