Ahmedabad,તા.30
ગુજરાતમાં ચાલું વર્ષમાં, પાછલાં વર્ષની સરખામણીએ હૃદય સંબંધિત ઈમરજન્સીની સંખ્યામાં 16.66 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ કેસોમાં 18.48 ટકાનો વધારો થયો છે. જો આપણે ગુજરાતની ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનાં ડેટા પર નજર કરીએ તો, આવી ઈમરજન્સીમાં રાજ્યનાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 40 ટકાનો જેટલો વધારો થયો છે.
માહિતી અનુસાર, ગયાં વર્ષમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કારણે 71561 કેસમાં 108 એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીથી 26 ડિસેમ્બર 2024 સુધીમાં 83480 ઈમરજન્સી કેસ નોંધાયાં છે.
ગુજરાતમાં સૌથી વધુ 40 ટકા કેસ પોરબંદર જિલ્લામાં નોંધાયાં છે. ગત વર્ષે પોરબંદરમાં 1145 કેસ નોંધાયાં હતાં જે આ વર્ષે વધીને 1601 થયાં છે. જો સંખ્યાના આધારે જોવામાં આવે તો, આ વર્ષે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 24460 હૃદય સંબંધિત ઇમરજન્સી કેસ નોંધાયાં હતાં, જે ગયાં વર્ષના 21182 કરતાં 18.48 ટકા વધુ છે.
નિષ્ણાતોના મતે, હૃદય સંબંધિત ઈમરજન્સીમાં વધારો થવાનું કારણ લોકોમાં જાગૃતિ વધી રહી છે. કોરોના પીરિયડ પછી લોકો તેમનાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયાં છે. જો કે, હૃદય સંબંધિત બિમારીઓમાં પણ વધારો થયો છે.
અન્ય જિલ્લાઓમાં પણ વધારો
આ સમયગાળા દરમિયાન જામનગરમાં ગત વર્ષે 2845 કેસની સરખામણીમાં 3072 ઈમરજન્સી કેસ નોંધાયાં હતાં. આ લગભગ આઠ ટકા વધુ છે. જ્યારે રાજકોટમાં ગયાં વર્ષે નોંધાયેલાં 4848 કેસની સરખામણીએ 5453 કેસ નોંધાયાં હતાં જે 12.48 ટકા વધુ છે.
સુરતમાં ગયાં વર્ષે નોંધાયેલાં 5335 કેસની સરખામણીએ આ વર્ષે 6726 કેસ નોંધાયાં છે.જે 26 ટકા વધુ છે. વડોદરામાં ગયાં વર્ષે નોંધાયેલાં 3569 કેસની સરખામણીએ આ વર્ષે 4262 ઈમરજન્સી કેસો નોંધાયાં હતાં, જે 19 ટકા વધુ છે.