Gujarat માં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

Share:

Gujarat,તા,18

સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત્ છે. આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 18મી અને 19મી ઓક્ટોબર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર,  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

20મી ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે તો દક્ષિણ  ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યાતા છે. 21મી ઓક્ટોબર ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં પડશે માવઠું

બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે તારીખ 17મીથી 24મી ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે. આમ, ગરમી બાદ તુરંત માવઠું થવાની સંભાવના છે. 

વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે વરસાદની વધુ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ છે. રાજ્યના કેટલાક સ્થળોએ આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *