Ahmedabad,તા.06
ગુજરાતમાં કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ યથાવત્ રહ્યો છે. જ્યારે કેટલાક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થઇ ગયો છે.
આજે અમદાવાદમાં 36.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ બીજી નવેમ્બરે 36.9, 3 નવેમ્બરે 36.6 અને ચોથી નવેમ્બરે 37.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 11 નવેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 37ની આસપાસ જ રહેશે.
બીજી તરફ મંગળવારે રાત્રિએ 21.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં 11 નવેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધવા લાગે તેવી સંભાવના છે.
મંગળવારે દિવસ દરમિયાન રાજકોટ-ડીસામાં 38.4, ભુજમાં 37.3, ગાંધીનગરમાં 37.2, પોરબંદરમાં 36.5, ભાવનગરમાં 36, સુરતમાં 35.7, વડોદરામાં 35.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. ગત રાત્રિએ દાહોદમાં 17.1 અને ગાંધીનગરમાં 19.4 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.
ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં થશે કડકડતી ઠંડીનો અનુભવ
નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે, મહત્તમ તાપમાન નોર્મલ કરતા થોડું નીચું રહેવાની સંભાવના છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, અલનીનોની અસરને આ વખતે શિયાળો મોડો શરૂ થયો હોય તેવો અનુભવ રહેશે. જેના કારણે કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
રાજ્યમાં માવઠું થઈ શકે છે!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે. ખાસ કરીને સાતમીથી 14મી નવેમ્બર અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.