Rajkot, તા. 2
રાજકોટ મહાપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે અને ચાલુ વર્ષે 410 કરોડના આવકના ટાર્ગેટ સામે આજ સુધીમાં 33ર કરોડની આવક થઇ છે ત્યારે રાજકોટમાં જુદી જુદી સરકારી કચેરીઓ પાસેનું મિલ્કત વેરાનું લેણુ પણ 87 કરોડને પાર થઇ ચૂકયું છે. જેમાં સૌથી ટોચ પર રેલવે અને તે બાદ સૌરાષ્ટ્ર યુનિ. તથા કલેકટર કચેરી આવે છે.
દર વર્ષે મોટા ભાગે નાણાકીય વર્ષના આખરમાં જુદી જુદી કચેરીઓ ગ્રાન્ટના આધારે થોડો ઘણો વેરો જમા કરે છે. પરંતુ બાકી માંગણાનો નિકાલ વર્ષોથી થતો નથી. બીજા વર્ષે વ્યાજ સહિત રકમ ચડતી જાય છે. આ સંજોગોમાં મનપાએ વધુ એક વખત આ કચેરીઓનું લેણુ છુટુ થાય તે માટે મીટીંગ રાખી છે. આજે સાંજે 5.30 કલાકે કેન્દ્ર અને રાજય સરકારની લાગુ પડતી 26 કચેરીના અધિકારીઓની મીટીંગ મહાપાલિકામાં રાખવામાં આવી છે.
ખુદ કમિશ્નર અને ડે.કમિશ્નર આ વિભાગો સાથે ચર્ચા કરીને નાણાંકીય વર્ષના બાકી ત્રણ મહિના દરમ્યાન વધુમાં વધુ ડયુ કલીયર કરે તેવી વાત મૂકવાના છે. આ રીતે ખાનગી મિલ્કતો ઉપરાંત સરકારી કચેરીઓ પાસે પણ વસુલાતના પ્રયાસો સઘન કરવામાં આવ્યા છે.
મનપા કચેરીના ટેકસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કુલ 26 કચેરી અને વિભાગોનું આજ સુધીનું માંગણુ 87,21,85,873 પર પહોંચ્યુ છે. તેમાં જુનુ લેણુ 77.97 કરોડ અને ચાલુ વર્ષનું 9.24 કરોડ છે. આ માંગણામાં ટોપ પર રેલવે આવે છે. દાયકા અગાઉ રેલવે પાસેથી ટેકસ વસુલવાનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો.
આ બાદ મનપાની તરફેણમાં માર્ગદર્શન આવતા વેરો ભરવા એમઓયુ થયા હતા અને જે તે વખતે થોડો વેરો ભરવામાં પણ આવ્યો હતો. આ બાદ હવે ફરી કેન્દ્રની આ કચેરી ટેકસ ભરતી નથી. આથી આ માંગણુ વધીને 17,91,85,738 પર પહોંચી ગયું છે. કેન્દ્રની કચેરીનો વેરો વસુલ થાય તે માટે વધુ એક વખત પ્રયાસો કરાશે.
બીજા ક્રમે સૌરાષ્ટ્ર યુનિ. આવે છે જેનું જુનુ લેણુ 15.47 કરોડ અને ચાલુ વર્ષનું લેણુ 1.30 કરોડ મળી કુલ માંગણુ 16.77 કરોડ છે. યુનિ. પણ વેરો ભરવા તૈયાર થતી ન હોય, તાજેતરમાં કુલપતિ ચેમ્બર સહિતના વિભાગોને સીલ મારવા કોર્પો.ની ટીમ જતા દોડધામ થઇ હતી.
આ બાદ ટેકસ ભરવા સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવી છે. ત્રીજા ક્રમે પણ રાજય સરકારની કલેકટર કચેરી આવે છે. જુનુ 12.31 કરોડ અને ચાલુ વર્ષનું 62.44 લાખ મળી કુલ લેણુ 12.94 કરોડ પર પહોંચ્યુ છે. આ બાદ સમરસ હોસ્ટેલ, પીડબલ્યુડી આવે છે. સીટી પોલીસનો પણ 10.54 કરોડનો ટેકસ બાકી છે.
મેડીકલ કોલેજ, પાણી પુરવઠા બોર્ડ, કોર્ટ, સીવીલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત, સીજીએસટી, બીએસએનએલ સહિતની કચેરીનો વેરો પણ જમા થાય તે માટે આજની મીટીંગમાં અધિકારીઓ પ્રયાસ કરવાના છે.
સરકારી કચેરીઓ વેરા માટે સામસામે આવે અને આકરા પગલા લેવાય તેવું લગભગ કરવામાં આવતું નથી આથી યોગ્ય રસ્તો કાઢવા આજની મીટીંગમાં વધુ એક વખત ચર્ચા થશે. માર્ચ એન્ડ સુધીમાં વધુમાં વધુ વેરો નીકળે તે પ્રકારે ખાતરી પણ લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.