Rajkot. તા.28
શહેરમાં જીવરાજપાર્ક ચિલઝડપનું સ્પોટ બનતું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. અઠવાડિયામાં બીજા વૃધ્ધાના ગળામાંથી સોનાના દાગીનાની ચિલઝડપ કરી સમડી નાસી છૂટતાં ફફડાટ ફેલાયો હતો. સાંજના સમયે વોકિંગમાં નીકળતા સિનિયર સિટીઝનોને જ ભોગ બનાવે છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબીની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી.
બનાવ અંગે કસ્તુરી રેસીડન્સી બ્લોક નંબર.3 અંબીકા ટાઉનશિપ, જીવરાજ પાર્કમાં રહેતાં જયોત્સનાબેન મહેંદ્રભાઇ પટેલ (ઉ.વ.63) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ, દિકરો જયદિપ તથા પુત્રવધુ સાથે રહે છે. તેણી અને તેના પતિ નિવૃત જીવન ગાળે છે. તેમનો પુત્ર ફાર્મસી કોલેજમા પ્રોફેસર તરીકે નોકરી કરે છે.
ગઈકાલે રાત્રીના પોણા નવેક વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી બહાર સોસાયટીમા વોકીંગ માટે નીકળેલ હતાં અને ચાલીને કસ્તુરી રેસીડન્સી મેઇન રોડ પર ગયેલ અને જીવરાજ પાર્કના ગેઇટ થી પરત સોસાયટીમાં આવતાં હતા ત્યારે તુલસી લાઇવ બેકરીથી થોડે આગળ સોસાયટીના મકાન નંબર 178 ની સામે પહોંચતા સામેથી તેમની બાજુમા એક ડબલ સવારી બાઈક વાળા ઘસી આવેલ અને પાછળ બેસેલ વ્યક્તિએ તેણીએ ગળામા પહેરેલ સોનાનો ચેઇન ઓચિંતા ઝુંટવી પુર ઝડપે બાઈક ચલાવી જીવરાજ પાર્ક તરફ જતા રહેલ હતા.
જે બાદ તેણીએ ઘરે આવી પરીવારને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જયારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ સીસીટીવી ફુટેજના આધારે ચિલઝડપ કરનાર શખ્સો સુધી પહોંચવા કવાયત આદરી છે. ઉલ્લેખનીય છે કે ગઈ તા.22 ના પણ સ્પીડવેલ પાર્ટી પ્લોટ મેઈન રોડ પર વોકિંગમાં નીકળેલ એક વૃધ્ધના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપનો બનાવ બન્યો હતો. જે પણ આજ સુધી ડીટેકટ છે.