Vadodara,તા.15
વડોદરા શહેર નજીક પોર ગામ પાસે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા આ જ્યારે પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સુરતના એક પરિવાર સાથે બની હતી, જેઓ પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના ડિંડોલીમાં રહેતો અને મૂળ મહેસાણાનો પરિવાર પોતાની અર્ટિગા કારમાં પાવાગઢથી વડોદરા તરફ આવી રહ્યો હતો. દરમિયાન, પોર નજીક કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી ગઈ અને એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.ભારે જહેમત બાદ મૃતકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકોને બહાર કાઢવા માટે ફાયર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે શહેરની મકરપુરા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી રહ્યા છે.
ઇજાગ્રસ્તોની ઓળખ વિનય જગદીશભાઈ પટેલ (ઉ.વ. 32), ચિરાગ સુરેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ધ્રુવ ધર્મેશભાઈ પટેલ અને નિરંજન જગદીશભાઈ પટેલ તરીકે થઈ છે. જયારે મૃતકોમાં હિતેશ પટેલ, દિપીકાબેન પટેલના નામ છે.