Junagadh,તા.29
ગિરનારમાં 3300 ફૂટની ઊંચાઈએ બિરાજતા માં અંબેની ભક્તિનું અનેરૂં મહાત્મ્ય છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અંબાજી મંદિરે નવલા નોરતા નિમિત્તે નવે નવ દિવસ અનુષ્ઠાન સાથે માતાજીની આરાધના કરવામાં આવશે.
ગિરનાર પર્વત પર પુરાણ પ્રસિદ્ધ અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીની ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે. નાગર, લોહાણા, કડીયા સુતાર, દશા પોરવાડ, વિસા સોરઠીયા, વાંઝા, તંબોળી, સોની, માળી, દશા શ્રીમાળી, સલાટ વિગેરે જ્ઞાાતિના કુળદેવી છે. પર્વતની 3300 ફૂટની ઊંચાઈએ પૌરાણિક કાળનું મૂળ મંદિર ગુપ્તકાળમાં બાંધવામાં આવ્યું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અહીં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ મંદિરમાં ત્રિશૂળની સિંદૂરવાળી છાપ લઈ માતાજીના આશીર્વાદ મેળવે છે. શાસ્ત્રોના કથનાનુસાર વિષ્ણુ ભગવાને જ્યારે વામન અવતાર ધારણ કર્યો હતો ત્યારે ગિરનાર પર્વતે અંબાજીની સ્તુતિ કરી હતી. અંબાજીનું સ્થાન નવદુર્ગામાં પણ ગણાય છે. મંદિર માતાજીની ઉદયન પીઠ તરીકે પ્રખ્યાત છે. ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન અંબાજી મંદિરે સવાર અને સાંજ આરતી અને માતાજીના ગરબા ગાઈ ગુણગાન ગવાશે. પૂજારીઓ દ્વારા નવે નવ દિવસ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરાશે.