Maharashtra,તા.20
મહારાષ્ટ્રમાં થાણેના બદલાપુરની એક જાણીતી શાળામાં બે બાળકી પર યૌન શોષણ થયાની ઘટના સામે આવી છે. જેને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર દેખાવ કરી રહ્યા છે, જેના કારણે રેલ સેવા પ્રભાવિત છે. આ મામલે પોલીસે આરોપી સફાઈકર્મી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. જ્યારે શાળાએ આરોપી સફાઈકર્મી સસ્પેન્ડ કરી દીધો છે અને પાંચ દિવસ માટે શાળા બંધ રાખવામાં આવી છે.
દેખાવના કારણે 10 ટ્રેનો ડાયવર્ટ કરાઈ
બદલાપુરની શાળામાં બાળકી પર યૌન શોષણ મામલે લોકો દ્વારા ભારે દેખવા કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 10 મેલ એક્સપ્રેસ ટ્રેનોને કર્જત-પનવેલ-થાણે સ્ટેશનને રસ્તાને ડાયવર્ટ કરવામાં આવી છે. CSMT અને અંબરનાથ વચ્ચે લોકલ સામાન્ય રીતે ચાલી રહી છે. બદલાપુરથી કર્જત સુધી સેવાઓ બંધ છે.
સરકારે તપાસ માટે SITની રચના કરી
આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે. આ દરમિયાન દેખાવકારોએ શાળામાં તોડફોડ કરી હતી અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો.
પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
DCP સુધાકર પઠારેએ કહ્યું કે, ‘કેસ નોંધાયા બાદ સાડા ત્રણ કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં પણ મોકલી દીધો છે. શાંતિ જાળવો અને પોલીસને તપાસમાં સહકાર આપો. જો કોઈ શહેર બંધ કે દેખાવનું આયોજન કરશે, જેનાથી તપાસમાં અડચણ આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’