Rajkot,તા.12
રેસકોર્સ રિંગ રોડ પર આવેલા ટી-પોસ્ટ નામના ચાના સ્ટોલમાં ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર એકતાબેન રાજેશભાઈ ઝાલા (ઉ.વ.ર૩) નામની યુવતીનું મૃત્યુ નિપજયું હતું. યુવતીને પ્રેમલગ્નમાં દગાખોરીના કારણે પગલુ ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાસે આવાસ કવાર્ટરમાં રહેતી એકતાબેન રાજેશભાઈ ઝાલા (ઉ.વ.ર૩)એ ગઈ તા.૭નાં રેસકોર્સ રિંગ રોડ પર સ્થિત ટી-પોસ્ટ નામના ચાના સ્ટોલ પર નોકરી પર હતી ત્યારે ઝેરી દવા પી લેતા સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું આજે મૃત્યુ નિપજયું હતું.
જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે એકતા ચાના સ્ટોલ પર નોકરી કરતી હોય ત્યાં ચા પીવા આવતા અમદાવાદના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પરિવારજનોની જાણ બહાર કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ તે શખ્સે દગો કરી લગ્નના કાગળો લઈ જતો રહ્યો હોય તેના કારણે એકતા આઘાતમાં આવી ગઈ હતી અને સંભવતઃ તેના કારણે આ પગલું ભરી લીધું હતું.હાલ એ-ડિવીઝન પોલીસે મૃતકના પરિવારજનોનાં નિવેદન નોંધી એકતાને દગો આપી ભાગી ગયેલા શખ્સને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ બાદ તમામ માહિતી બહાર આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.