Gir Somanath ,તા.05
ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું, કેટલાક જિલ્લામાં ખેડૂતોનો થોડોઘણો પાક માંડ-માંડ બચી ગયો છે. આવો જ એક જિલ્લો છે ગીર સોમનાથ, કે જ્યાં ખેડૂતોએ પાછોતરા વરસાદ બાદ બચેલા પાકને લણવાની કામગીરી હાથ ધરી છે. દિવાળીના વેકેશનમાં મજૂરો પણ વતન ગયા હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં જાત મહેનત કરવી પડી. જેના કારણે તેમની દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો ખેતરમાં જ પસાર થયા.
પાક પણ બગડ્યો અને દિવાળી પણ…
ખેડૂતોનું કહેવું છે કે, ઑક્ટોબરમાં વરસાદ થતાં અકતરી માંડવી અને ચોમાસાની માંડવી એકસાથે નીકાળવાની ફરજ પડી છે. પાછોતરા વરસાદે પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે અને જે પાક બચી ગયો છે તેને સાચવીને કાઢી લેવાની કવાયત કરવામાં આવી રહી છે. જેથી થોડો ઘણો ખર્ચો નીકળી જાય. દિવાળીની રજાઓ હોવાથી મજૂરો મળતા ન હોવાથી ખેડૂતોની સ્થિતિ હાલ કપરી બની છે. એક બાજું, શહેરોમાં લોકો દિવાળી સહિતના તહેવારની ઉજવણી કરતા હતા, ત્યારે ખેડૂતોને સહપરિવાર ખેતરમાં કામ કરવાની ફરજ પડી.
ગીર સોમનાથમાં ખેડૂતોની પાકનુકસાની સામે વળતરની માગ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકનુકસાની સામે રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે, સરકારે રાહત પેકેજમાંથી ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખ્યો છે. જેથી ખેડૂતોએ સર્વેની કામગીરી હાથ ધરીને વળતર આપવાની માગ કરી છે.