Bhavnagar,તા.૧
શહેરમાં ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ગત વર્ષના દિવાળી તહેવાર બાદના ખાદ્ય સામગ્રીઓના સેમ્પલ લીધા હતા. જે નવા વર્ષના પ્રારંભમાં જ સેમ્પલ ફેલ થયા છે. જેની સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાન્યુઆરીમાં ખાદ્ય ચિઝો વેચાઈ ગઈ કે ફેંકાઈ ગઈ, એનો દુકાનદારો પાસે કોઈ જવાબ નથી. ઘી અને પાપડના અગાઉના લીધેલા સેમ્પલ ફેલ જતા અખાદ્ય સામગ્રી વેચતા વિક્રેતાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૨૫માં નવા વર્ષે ખાદ્ય વસ્તુઓના સેમ્પલ લેવાનો પ્રારંભ કર્યો હતો. મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેકટર દેવાંગભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫માં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાન્યુઆરી ૨૦૨૫માં ૫૦ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. ગત વર્ષોમાં લેવામાં આવેલા સેમ્પલો પૈકી ૨ સેમ્પલો ફેલ આવ્યા છે. જેથી અખાદ્ય સામગ્રી વેચતા વિક્રેતાઓ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેકટર દેવાંગભાઈએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૫માં લેવામાં આવેલા ૫૦ સેમ્પલોમાં આઈસ્ક્રીમ, રાંધેલા પદાર્થ, રોટલી, દાળ, શાક, ગુંદરપાક, અદડીયા, બદામપાક, કજીકી, તલના લાડુ, ઓર્ગેનિક પ્રોડક્ટ, મસાલા, અનાજ અને કઠોળ સહિતના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જ્યારે ગત વર્ષોમાં લેવામાં આવેલ સેમ્પલો તપાસમાં મોકલવામાં આવતા તેના રીપોર્ટ આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેકટર દેવાંગભાઈએ જણાવ્યું કે, ગત વર્ષે લીધેલા ભાવનગરમાં શાહ પરેશકુમાર પ્રતાપરાય દાણાપીઠવાળાને ત્યાંથી પ્રસંગ પાપડનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ મિસ બ્રાન્ડ આવતા શાહ પરેશકુમાર પ્રતાપરાય પેઢીને ૧૦ હજારનો દંડ અને પાપડ બનાવનાર રાજકોટની પેઢી ગઢિયા ગૃહ ઉદ્યોગને ૫૦ હજારનો દંડ મળીને કુલ ૬૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે શાહ રાકેશકુમાર મહિપતરાય રાંધનપુરી બજારવાળાને ત્યાંથી ઘીનું લૂઝ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા ૪૦ હજારનો દંડ ઝિંકવામાં આવ્યો છે.