Morbi,તા.03
ટોકન સંખ્યા વધારી, વધુ આઈડી માટે ડીમાંડ કરવામાં આવી : ઇન્ચાર્જ અધિકારી
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ પણ લોકોની તકલીફ ઘટવાનું નામ નથી લઇ રહી આજે પણ જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી અને નાગરિકોને જન્મ-મરણ દાખલા જેવા કામ માટે કલાકોનો સમય વેડફવો પડી રહ્યો છે જેથી રોષ ભભૂકી રહ્યો છે
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ રેલ્વે સ્ટેશન રોડ પરના રેન બસેરા ખાતે સીટી સિવિક સેન્ટર શરુ કરવામાં આવ્યું છે જ્યાં હાલ જન્મ અને મરણના દાખલા જેવી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ વહેલી સવારે ચાર પાંચ વાગ્યાથી અરજદારોની લાંબી લાઈનો લાગે છે અને બપોર સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ અરજદારોના કામ થાય છે તેમજ એક ધક્કે કામ થઇ જાય તેની કોઈ ગેરંટી નહિ અરજદારોના જણાવ્યા અનુસાર બે-ત્રણ ધક્કા ખાધા પછી કામ થઇ રહ્યા છે કલાકોનો વેડફાટ થતો હોય છે જેથી શ્રમિક પરિવારોની રોજગારી પર અસર પડી રહી છે
સ્ટેટ લેવલે નવા આઈડી માટે રજૂઆત કરી છે : ઇન્ચાર્જ અધિકારી
સિવિક સેન્ટરના ઇન્ચાર્જ અધિકારી ડો. રાહુલ કોટડીયાએ જણાવ્યું હતું કે જે તે કામગીરી માટે ટોકન આપવામાં આવે છે હાલ જન્મ મરણ માટે એક આઈડી છે અને સ્ટેટ લેવલે નવા આઈડી માટે ડીમાંડ કરી દીધી છે નવા આઈડી મળતા કામગીરી ઝડપી થશે હાલ મલ્ટીપલ લોગીન ઓપ્શનથી કામ ચાલુ છે અને અગાઉ ૧૦૦ ટોકન આપતા તેને બદલે આજે ૧૨૫ ટોકન આપ્યા છે અને જો તે કામગીરી પૂર્ણ થઇ જશે તો આ રીતે ધીમે ધીમે ટોકન સંખ્યા વધારી કામગીરી ઝડપી બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે