Mumbai,તા.01
ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો પર બરાબરના ભડક્યા છે. ઈંગ્લેન્ડના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોને એ વાતથી વાંધો છે કે, ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની તમામ મેચ એક જ વેન્યૂ દુબઈમાં રમી રહી છે. ભારતીય ટીમ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન બિનજરૂરી રીતે ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. સુનીલ ગાવસ્કરના મતે જે લોકો ભારત વિશે ‘ફરિયાદ’ કરતા રહે છે તેમણે ટુર્નામેન્ટમાં પોતાના દેશની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે ભારતના કારણે જ તમને પગાર મળી રહ્યો છે. સુનીલ ગાવસ્કર ઈંગ્લેન્ડના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો જેમ કે નાસીર હુસૈન, માઇકલ એથર્ટન વગેરે પર બરાબરના ભડક્યા છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘જે ક્રિકેટ પંડિતો ભારત વિશે ‘ફરિયાદ’ કરતા રહે છે તેમણે ટુર્નામેન્ટમાં પોતાના દેશની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે ભારતીય ક્રિકેટ તેમને પગાર પણ આપી રહ્યું છે.’ એક પોડકાસ્ટ પર વાત કરતા નાસીર હુસૈન અને માઈકલ આથર્ટને કહ્યું હતું કે, ‘ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતનો વધુ ફાયદો છે.’
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વૈન ડેર ડુસેને પણ કહ્યું હતું કે, ભારતને અન્ય સાત ટીમોથી વિપરીત મુસાફરી કરવાની કે હોટલ બદલવાની જરૂર ન પડી, જે પોતાની કેટલીક મેચ પાકિસ્તાનમાં રમી રહી હતી અને રોહિત શર્મા એન્ડ કંપની પર આનો ફાયદો ઉઠાવવાનું દબાણ હશે. હવે સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ‘આ અંગે ટિપ્પણી કરવી પણ યોગ્ય નથી. આનાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે પિચ ભારતના નિયંત્રણમાં નથી અને રમતમાં મુસાફરી સામાન્ય છે.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, હકીકતમાં આવું નથી. ‘ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર્સ હંમેશા રડતા રહે છે. તેઓ સમજી નથી શકતા કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત ક્યાં ઊભુ છે. ક્વોલિટી, પગાર, ટેલેન્ટ અને સૌથી જરૂરી વાત રેવેન્યૂ ઉત્પન્ન કરવામાં. ટીવી રાઈટ્સ અને મીડિયા રેવેન્યૂ દ્વારા વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું યોગદાન મોટો રોલ નિભાવે છે. તેમણે એ સમજવાની જરૂરી છે કે, તેમનો પગાર પણ તેમાંથી જ આવે છે જે ભારત ક્રિકેટની દુનિયામાં લાવે છે.’