કોહલીની બેટિંગ શૈલી અને તેની ફિટનેસ જોતા લાગે છે કે, હજુ પણ તે ઘણાં વર્ષો સુધી ક્રિકેટ રમી શકે છે : ગંભીર
New Delhi, તા.૧૩
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ડીપીએલ ટી૨૦ દરમિયાન વિરાટ કોહલીને ક્રિકેટનો શહેનશાહ ગણાવ્યો છે. રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, ક્રિકેટનો શહેનશાહ કોણ છે? તેના જવાબ આપતા ગંભીરે વિરાટ કોહલીનું નામ લીધું હતું. ગંભીરનું નિવેદન એટલા માટે મહત્વનું છે, કેમ કે, ક્રિકેટ મેદાન પર બંને વચ્ચે ઘણીવાર રકઝક જોવા મળી છે, પરંતુ હવે ગંભીરના ઘણાં નિર્ણયો અને નિવેદનોથી જાણવા મળે છે કે, જ્યારે ટીમ ઇન્ડિયાની વાત આવે તો બંને વચ્ચે કોઈ મતભેદ જોવા મળતો નથી.
ગંભીરે કોહલીની ક્રિકેટમાં અદ્ભુત સિદ્ધિઓ અને સતત શાનદાર પ્રદર્શન જોતા આ નિવેદન આપ્યું છે. વિરાટ કોહલી ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મહાન બેટ્સમેનમાંથી એક છે. તેનું રમત પ્રત્યે સમર્પણ જોઈ તેના પર શહેનશાહનું ટાઇટલ બંધ બેસે છે. તેણે ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે, તે પ્રશંસાને પાત્ર છે. કોહલીની બેટિંગ શૈલી અને તેની ફિટનેસ જોતા લાગે છે કે, હજુ પણ તે ઘણાં વર્ષો સુધી ક્રિકેટ રમી શકે છે. ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને શહેનશાહ ગણાવીને કંઈ ખોટું કહ્યું નથી. કિંગ કોહલીએ સચિન તેંડુલકર પછી પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. વર્તમાન સમયમાં તે સચિન પછી દેશનો બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. દેશ માટે સચિન તેંડુલકરે ૬૬૪ મેચમાં રમીને ૭૮૨ ઇનિંગમાં ૪૮.૫૨ની સરેરાશથી ૩૪૩૫૭ રન બનાવ્યાં છે. જ્યારે કોહલીએ ટીમ ઇન્ડિયા માટે ૫૩૩ ઇનિંગમાં ૫૩.૩૫ની સરેરાશથી ૨૬૯૪૨ રન બનાવી ચૂક્યો છે.