મને લાગે છે કે તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ : મને વિરાટ અને રોહિતની ચિંતા નથી : ગંભીર
New Delhi, તા.૧૩
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪ને લઈને ફેન્સ અને ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આ સિરીઝ શરુ થાય એ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગ અને ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે શાબ્દિક યુદ્ધ શરુ થઈ ગયું છે.
થોડા સમય પહેલા પોન્ટિંગે કહ્યું હતું કે કોહલીનું ફોર્મ ચિંતાજનક છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ ટેસ્ટમાં માત્ર બે જ સેન્ચુરી ફટકારી છે. પરંતુ મને લાગે છે કે કોહલીમાં ફોર્મમાં વાપસી કરવાની ક્ષમતા છે અને તેના માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ છે.
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે તાજેતરમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ગંભીરને જ્યારે પોન્ટિંગના નિવેદન વિશે પૂછવામાં આવ્યું તો તેણે જડબાતોડ જવાબ આપ્યો.
આ બબાતે જવાબ આપતી વખતે ગંભીરે કહ્યું કે, પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? મને લાગે છે કે તેઓએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વિચારવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે મને વિરાટ અને રોહિતની ચિંતા નથી.’
ન્યુઝીલેન્ડ સામેની ૩ ટેસ્ટ મેચની સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. કોહલીએ ૬ ઇનિંગ્સમાં માત્ર ૯૩ રન બનાવ્યા હતા જ્યારે રોહિતે ૯૧ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર રિકી પોન્ટિંગે મીડિયા સાથે આ બાબતે વાત કરતા કહ્યું કે, ’ગૌતમની પ્રતિક્રિયા જોઇને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પરંતુ જ્યાં સુધી હું ગૌતમ ગંભીરને જ્યાં સુધી ઓળખું છું, તે ખૂબ જ શોર્ટ ટેમ્પર છે. આથી તેના આવા નિવેદન પર મને વધુ આશ્ચર્ય ન થયું.’
રિકી પોન્ટિંગે આ અંગે સ્પષ્ટતા કરી કે, ’મેં ગૌતમ ગંભીરની નિંદા નથી કરી, મેં કહ્યું કે તેણે ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું છે અને તે અહીંયા પણ વાપસી કરશે. જો તમે વિરાટને પૂછો તો મને ખાતરી છે કે તે થોડો ચિંતિત હશે કે તે અગાઉના વર્ષોની જેમ સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો નથી.’
ભારત ૨૨ નવેમ્બરથી પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. કોહલીએ અગાઉ ૨૦૧૮-૧૯ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આ મેદાન પર સદી ફટકારી હતી.