Mumbai,તા,27
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ’વ્યક્તિગત કારણોસર પોતાનાં પરિવાર પાસે ભારત પરત ફર્યા છે. 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી પિંક બોલ ટેસ્ટ પહેલાં તે ટીમ સાથે જોડાય તેવી શક્યતા નથી. ગંભીર 30 નવેમ્બરથી કૈનેવેરામાં યોજાનારી બે દિવસીય ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં પણ ભાગ લેશે નહીં.
બોર્ડનાં એક અધિકારીએ જણાવ્યું કે, તે મંગળવારે સવારે ભારત જવા રવાનાં થયાં હતાં. તે અંગત કારણોસર ભારત આવ્યાં છે. તે બીજી ટેસ્ટ પહેલાં એડિલેડ પરત ફરશે.
ભારતીય ટીમ 27 નવેમ્બરે કૈનબેરા જવા રવાનાં થશે જ્યાં સમગ્ર ટીમ ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ દ્વારા તેમનાં સન્માનમાં આયોજિત સમારોહમાં ભાગ લેશે.
ડે-નાઈટ બીજી ટેસ્ટની તૈયારી માટે બે દિવસીય મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનની કપ્તાની ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ કરશે. ટીમમાં સ્કોટ બોલેન્ડ અને મેથ્યુ રેનશો જેવાં અનુભવી ખેલાડીઓ સાથે ઘણાં યુવા ખેલાડીઓ છે.
મેચનાં નિયમો બંને ટીમો દ્વારા નક્કી કરવામાં આવશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દરેકને બેટિંગ અને બોલિંગ કરવાની તક મળશે કારણ કે આ મેચને સત્તાવાર દરજ્જો મળ્યો નથી.