New Delhi, તા.૧૬
પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોમાં ડર પેદા કરી દેતો હતો. પરંતુ તેની કારકિર્દીમાં એક વાર એવો સમય પણ આવ્યો હતો જ્યારે ગાંગુલીએ તેને ટીમમાંથી બહાર કરવાની ધમકી આપી હતી. વર્ષ ૨૦૦૩માં સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો ત્યારે તેણે વીરેન્દ્ર સેહવાગને કહ્યું હતું કે, જો તું રન નહીં બનાવે તો હું તને ટીમમાંથી બહાર કાઢી મૂકીશ. ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપડાએ આ વાતનો ખુલાસો કર્યો છે.
આકાશ ચોપડાએ જણાવ્યું હતું કે, ’આ ઘટના વર્ષ ૨૦૦૩માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાનની છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં ઘણાં રન બનાવ્યા હતા. પરંતુ તે પછી તેની કારકિર્દીનો ખરાબ સમય ચાલુ થયો હતો.
સેહવાગના બેટમાંથી રન નહોતા આવી રહ્યા. એ સમયે ભારતીય ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલી વીરેન્દ્ર સેહવાગ પાસે ગયો અને તેને કહ્યું હતું કે, જો તું રન નહીં બનાવે તો હું તને ટીમમાંથી કાઢી મૂકીશ. પરંતુ રસપ્રદ વાત એ છે કે ન્યુઝીલેન્ડ સામેની આ સીરિઝની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ થયા બાદ સહેવાગે મોહાલી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ૧૩૦ રન બનાવ્યા હતા.’ એ સમયે વીરેન્દ્ર સેહવાગ સતત ૯ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો અને તેના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી ન હતી.
પોતાની કારકિર્દી દરમિયાન વીરેન્દ્ર સેહવાગે ૧૦૪ ટેસ્ટમાં ૮૯.૩૪ની સરેરાશથી ૮૫૮૬ રન બનાવ્યા હતા જેમાં ૨૩ સદી અને ૩૨ અડધી સદીનો સમાવેશ થાય છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૧૯ રન રહ્યો હતો. ૨૫૧ વનડેમાં તેણે ૮૨૭૩ રન બનાવ્યા હતા જેમાં ૧૫ સદી અને ૩૮ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૧૯ રહ્યો હતો. આ ઉપરાંત સહેવાગે મેચોમાં ૩૯૪ રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૬૮ રન રહ્યો હતો.