Ahmedabad,તા.23
ઇ-કોમર્સના પ્લેટફોર્મ પરથી એ-વન અને એ-ટુ પ્રોટીન યુક્ત દૂધ, ઘી, માખણ અને દહી જેવા ઉત્પાદનો વેચવાનું બંધ કરી દેવાનો આદેશ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે. કેટલાય ઉદ્પાદકો એ-વન અને એ-ટુ પ્રકારના શ્રેષ્ઠ પ્રોટીન ધરાવતા દૂધને નામે પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરીને મોંઘી કિંમતે તેનું વેચાણ કરી રહ્યા છે. દૂધ ઉપરાંત ઘી, માખણ અને દહીંનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આજ પછી કોઈએ પણ તેમના પેકેજિંગ પર એ-વન અને એ-ટુ પ્રોટીનયુક્ત દૂધમાંથી બનેલા પ્રોડક્ટ્સ તરીકેનું લેબલ તેમના પ્રોડક્ટ્સના પેકેજિંગ પર લગાડવાનું રહેશે નહી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાઈસન્સ ધરાવનાર પણ એ-વન અને એ-ટુ પ્રોટીનયુક્ત દૂધની બનાવટ તરીકે તે પ્રોડક્ટ્સને માર્કેટમાં વેચી શકશે નહી.
ઘીનો કિલોદીઠ ભાવ 3 થી 5 હજાર રૂપિયા
ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસના જાણકારોનું કહેવું છે કે વિદેશની કંપનીઓ એ-વન અને એ-ટુ પ્રોટીન યુક્ત દૂધ કે તેની બનાવટોનું માર્કેટિંગ કરી રહી છે. ભારતમાં પણ એ-વન પ્રોટીન અને એ-ટુ પ્રોટીનયુક્ત દૂધને નામે ઊંચી કિંમત વસૂલવામાં આવી રહી છે. આ દૂધમાંથી બનતા ઘીનો કિલોદીઠ ભાવ રૂ. 3000 થી રૂ. 5000 લેવામાં આવી રહ્યો છે. ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર તેનું વેચાણ કરનારાઓ બેફામ કિંમત વસૂલી રહ્યા છે.
તદુપરાંત સ્ટાન્ડર્ડ મિલ્ક કે દૂધના સ્ટાન્ડર્ડની વ્યાખ્યા ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ એન્ડ ફૂડ એડેટિવ્સ રેગ્યુલેશન 2011માં કરી આપવામાં આવેલી છે. તેમાં એ-વન અને એ-ટુ પ્રોટીનને આધારે તેને વિશિષ્ટ દૂધ તરીકે ઓળખાવવાની કે માન્યતા આપવાની બાબતનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તેથી દેશની દરેક એફબીઓને દૂધ કે દૂધની બનાવટો પરના આ પ્રકારના ક્લેઈમને હટાવી દેવાની ફરજ પાડવાની સૂચના આપી દેવામાં આવી છે.
આજ પછી કોઈપણ કંપની કે ઇ-કોમર્સના પ્લેટફોર્મ પર વેપાર કરતી સંસ્થાઓએ તેમના પ્રોડક્ટ્સ પરથી એ-વન અને એ-ટુ પ્રોટીન ધરાવતા દૂધની બનાવટ તરીકે ઓળખાવવાનું બંધ કરી દેવાનું રહેશે. આ જ રીતે એ-વન અને એ-ટુ પ્રોટીન યુક્ત દૂધની બનાવટ તરીકે મૂકવામાં આવતા કોઈપણ દાવાને તેનું વેચાાણ કરનારાઓએ તેના લેબલ પણ પ્રિન્ટ કરવા નહીં.
એફબીઓએ તેના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા કરવાની રહેશે. આ અંગે સૂચના 21મી ઓગસ્ટે આપવામાં આવી ત્યારથી જ તેનો ચુસ્ત અમલ કરાવી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. જોકે આ માટેના લેબલ કંપનીઓએ છપાવી રાખ્યા હોય તો તેમને આગામી છ મહિનાના ગાળામાં પેન્ડિંગ લેબલનો સ્ટોકનો ઉપયોગ કરી દેવાની છૂટ પણ આપવામાંઆવી છે. આ વ્યવસ્થાના અમલીકરણ માટે કોઈ જ વિશેષ છૂટછાટ હવે પછી આપવામાં આવશે નહી.
ઘીમાં પ્રોટીન જ હોતું નથી તેથી એ-વન અને એ-ટુનો દાવો અર્થહીન
એ-વન અને એ-ટુ પ્રોટીનયુક્ત દૂધમાંથી બનાવેલા ઘી અને માખણના સંદર્ભમાં વાત કરતાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ જણાવ્યું હતું કે, દૂધમાંથી બનાવવામાં આવતા ઘીમાં માત્ર ને માત્ર ફેટ જ હોય છે. તેમાં પ્રોટીન જરાય હોતું નથી. તેથી એ-વન કે એ-ટુ પ્રોટીનયુક્ત દૂધમાંથી ઘી બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરવો અર્થહીન છે. તેમ જ આ દાવો કરીને ઊંચા ભાવે તે ઘી વેચવું તે પણ લોકોને ગેરમાર્ગે દોરવા બરાબર છે.
ગાયના દૂધમાં 88 ટકા પાણી, 4 ટકા ફેટ અને 3 ટકા પ્રોટીન હોય છે. 5 ટકા લેક્ટોઝ હોય છે. બાકીના એક ટકામાં મિનરલ્સ હોય છે. ભેંસના દૂધમાં 6 ટકા ફેટ અને 9 ટકા સોલીડ નોટ ફેટ હોય છે. ઘીમાં સોલિડ નોટ ફેટ જ વઘુ હોય છે. બીજું, ભારતમાં ગાય કે ભેંસનું દૂધમાં એ-ટુ પ્રોટીન જ કુદરતી રીતે છે. છતાં તેને માટેનો કોઈ વિશેષ દાવો કરવામાં આવતો નથી.
પરંતુ વિશિષ્ટ દૂધમાંથી બનેલા પ્રોડક્ટ્સ તરીકે તેની ઇમેજ ઊભી કરવી ઉચિત નથી. એફએસએસએઆઈનો આ માટેનો નિર્ણય ખરેખર આવકાર દાયક છે. તેને કારણે લોકો છેતરાતા બચી જશે.