Ahmedabad, તા.25
અમદાવાદના લોકોએ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ધ્યાન રાખવુ પડશે. જન્મના સર્ટિફિકેટ લીધા બાદ માત્ર એક જ વખત એક જ બાબતનો સુધારો થઈ શકશે.નામ સુધારવુ હોય અથવા માતા-પિતાના નામ કે પછી સરનામુ વગેરે બાબતમાં મ્યુનિસિપલ તંત્ર હવે એક જ વખત સુધારો કરી આપશે.
રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરુ કરવામાં આવ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહયુ, જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નકકી કરવુ પડશે કે તેને ચોકકસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે.તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવુ છે. ઘણા કેસમાં માતા કે પિતાના નામમા સુધારો કરવા અરજી કરવામા આવતી હોય છે.કેટલાક કીસ્સામા સરનામુ બદલવા જેવો સુધારો કરવા માટે પણ અરજી કરવામા આવતી હોય છે. આ પ્રકારના તમામ સુધારા માટે એક કોલમ અરજી કરનારે નકકી કરવી પડશે.યોગ્ય પુરાવા રજુ કરાયા બાદ તે પુરાવાની ખરાઈ કર્યા બાદ માત્ર એક જ વખત જન્મના સર્ટિફિકેટમાં સુધારો થઈ શકશે.