Doctorની Appointment લેવાનાં નામે શિક્ષક સાથે ૯૯,૦૦૦ની છેતરપિંડી

Share:

અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા જ ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા

જૂનાગઢ, તા.૧૭

જૂનાગઢમાં રહેતા એક શિક્ષકે રાજકોટના તબીબની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા તેના ખાતામાંથી ૯૯,૦૦૦થી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર જોગીપાર્કમાં રહેતા અને બીલખા પે સેન્ટર કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિશોરચંદ્ર છગનલાલ દવે (ઉ.વ. ૫૮)ના પત્નીની તબીયત સારી ન હોવાથી રાજકોટના તબીબને બતાવવા નક્કી કર્યું હતું. ડો.રાજેશ તૈલીની હોસ્પિટલના નંબર ન હોવાથી કિશોરચંદ્રએ બસમાં બેઠા બેઠા ગૂગલ પરથી નંબર શોધી ફોન કર્યો હતો તેમાં સામેથી મહિલાએ ‘તમારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડશે’ એમ કહી લિન્ક મોકલી હતી.કિશોરચંદ્રએ તેના પર વિગતો તેમજ ૧૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તે ન થતા મહિલાએ ફરી ફોન કરી ‘ઝડપથી ૧૦ રૂપિયા ફી ટ્રાન્સફર કરો નહિતર એપોઇન્ટમેન્ટ નહી મળે’,એવી વાત કરી હતી. તમારૂં ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય છે એ મોબાઈલ નંબર આપવા કહ્યું હતું પરંતુ કિશોરચંદ્રને શંકા જતા તેઓએ મહિલાને કોઈ માહિતી આપી ન હતી. તા. ૧૨ના કિશોરચંદ્રએ મોબાઈલમાં એપ ખોલી તપાસ કરતા તા. ૮ અને ૯ના કુલ ચાર ટ્રાન્ઝેક્શન થયેલા હતા તેમાં ૯૯૯૫૦ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. રાજકોટના તબીબને વાત કરતા તેઓએ આવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટની કોઈ સિસ્ટમ ન હોવાનુ જણાવ્યું હતું. બાદમાં કિશોરચંદ્ર દવેએ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ લખાવી હતી.પરંતુ હજુ નાણા પરત ન મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *