Mumbai , તા.18
દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો છે, તને પણ ક્યાં કશું આવડે છે. જ્યારે અન્ય એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે, “વિરાટ-ધોની કો ટીમ સિલેક્શન નહીં આતા, શુભમન ગિલ કો કુછ નહીં આતા. રાહુલ કો કુછ નહીં આતા, આઈસીસી કો કુછ નહીં આતા, તુ ક્યા દેખતા હે, તેરેકો કુછ નહીં આતા.”
અમિત મિશ્રાએ હાલમાં જ એક પોડકાસ્ટ શોમાં અમુક આકરા નિવેદનો આપ્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે, વિરાટ કોહલી અને એમએસ ધોનીના નેતૃત્વમાં તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેને કોઈ કારણ આપવામાં આવ્યુ ન હતું. આટલું જ નહીં, મિશ્રાએ ઝિમ્બાબ્વે સામેની T20 સિરિઝમાં કેપ્ટન શુભમન ગિલને કેપ્ટન્સી આવડતી ન હોવાનું નિવેદન આપ્યું છે. જેનાથી ચાહકો નારાજ થયા છે.
ચીકુ અને વિરાટ કોહલી વચ્ચે મોટો તફાવત
અમિત મિશ્રાએ કોહલી વિશે વાત કરતાં કહ્યું હતું કે, મેં વિરાટને ઘણો બદલાતા જોયો છે. અમે લગભગ વાતચીત કરવાનું પણ બંધ કરી દીધુ હતું. જ્યારે તમને ફેમ અને પાવર મળે છે, ત્યારે એવુ સતત લાગ્યા કરે છે કે, લોકો કોઈ ઉદ્દેશ સાથે જ તમારો સંપર્ક સાધી રહ્યા છે….પરંતુ હું જે ચીકુને ઓળખતો હતો, અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ખૂબ મોટો તફાવત છે. જ્યારે પણ તે મળતો, ત્યારે ખૂબ સન્માન સાથે વાત કરતો હતો, પરંતુ હવે પહેલાં જેવો રહ્યો નથી.
ગિલની કેપ્ટન્સી પર આપ્યું નિવેદન
શુભમન ગિલની કેપ્ટન્સી અંગે લેગ સ્પિનરે કહ્યું હતું કે, હું શુભમનને કેપ્ટન બનાવીશ નહીં. કારણકે તેને મેં આઈપીએલમાં રમતા જોયો હતો. તેને કેપ્ટન્સી આવડતી નથી. તેની પાસે કેપ્ટન્સીનો કોઈ આઈડિયા જ નથી. ઉલ્લેખનીય છે, ગિલની કેપ્ટન્સીમાં ભારતે હાલમાં જ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલી T20 સિરિઝનો ખિતાબ 4-1થી પોતાના નામે કર્યો છે.