Vrindavan,તા.17
ઠાકુર બાંકેબિહારી મંદિરમાં રવિવારે શ્રદ્ધાળુઓનો ધસારો વધવાથી સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. ભીડની વચ્ચે દબાઈને એક મહિલા શ્રદ્ધાળુનો પગ ફ્રેક્ચર થઈ ગયો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પાંચ અન્ય મહિલા શ્રદ્ધાળુઓની પણ હાલત બગડી ગઈ. મંદિર પર હાજર ડોક્ટરોની ટીમે તમામને સારવાર આપી. જે બાદ હાલતમાં સુધારો થયો. સતત વધી રહેલી ભીડના કારણે તંત્ર અને સુરક્ષાની વ્યવસ્થા અપૂરતી નજર આવી.
હોળી પર ઠાકુરજીના દર્શન માટે ભક્તોની ભીડ વૃંદાવન પહોંચી રહી છે. રવિવારે રજાના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી વધી ગઈ કે તેને કાબૂ કરવી મુશ્કેલ થઈ ગઈ. ધક્કા-મુક્કીની વચ્ચે મંદિર પરિસર અને બહાર સુધી સ્થિતિ બેકાબૂ નજર આવી. આ દરમિયાન કોલકાતાથી દર્શન કરવા આવેલી નેહા ગુપ્તા પડી ગયા. જ્યાં સુધી તેમને ઉઠાવવામાં આવે ત્યાં સુધી ઘણા શ્રદ્ધાળુ તેમના પગની ઉપરથી પસાર થઈ ગયા. તેમને પગમાં ઈજા પહોંચી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમના પગમાં ફ્રેક્ચર થવાની વાત સામે આવી છે.
બીજી તરફ આખો દિવસ મહિલા શ્રદ્ધાળુઓની ભીડની વચ્ચે હાલત ખરાબ થતી રહી. મંદિર દર્શન દરમિયાન દિલ્હીથી આવેલી નિકિતા ભીડમાં ફસાઈ ગઈ. ગભરામણના કારણે તે બેહોશ થઈ ગઈ. આ સિવાય કોલકાતાના રહેવાસી વૃદ્ધા ગાયત્રી અને તેમની પુત્રી મૌની પણ બેભાન થઈ ગઈ. ત્રણેયને મંદિર પર હાજર ટીમે સારવાર આપી, જે બાદ તેમની સ્થિતિમાં સુધારો થયો. સાંજે દર્શન દરમિયાન હાપુડની તૃષા શર્મા અને શીતલની તબિયત પણ ભીડના કારણે બગડી ગઈ. ચક્કર આવવાથી બંને પડી ગયા. તેમને પણ સારવાર આપ્યા બાદ પાછા મોકલવામાં આવ્યા.
પોલીસ કર્મચારી પણ ભીડની વચ્ચે ફસાયા
બાંકેબિહારી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત પોલીસ કર્મચારી પણ ભીડના કારણે લાચાર નજર આવ્યા. ભીડ એટલી વધું હતી કે પોલીસ કર્મચારી પોતે તેમની વચ્ચે ફસાઈ રહ્યાં. ભીડને જોતાં પોલીસની વ્યવસ્થા ઓછી પડી રહી છે. જ્યાં સુધી તંત્ર કોઈ નક્કર પગલાં નહીં ઉઠાવે ત્યાં સુધી સ્થિતિમાં સુધારો મુશ્કેલ છે.
મેટલ ડિટેક્ટર મશીન થયું ખરાબ
ગયા અઠવાડિયે જ બાંકેબિહારી મંદિર પર સુરક્ષા વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓની ગણતરી કરવા માટે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મશીન લગાવાયું હતું પરંતુ ભીડનું દબાણ વધવાથી શનિવાર સાંજે આ મશીન ખરાબ થઈ ગયું. રવિવારે મંદિર તંત્રએ મશીનને હટાવવું પડ્યું. તેનાથી મંદિરની સુરક્ષા પર પણ અસર પડી રહી છે.