Porbandar,તા.11
અરબી સમુદ્રમાં દીવના વણાંકબારાથી 70 કિ.મી. એક અજાણી મોટી શીપે ફિશિંગ બોટને ઠોકર મારી નાસી છૂટતા બોટ પાણીમાં ડૂબી ગઇ હતી અને બોટમાં રબેલા 8 ખલાસીઓ પૈકી એક ખલાસીનું ડૂબી જતા મોત થયું છે, અન્ય ચાર ખલાસી સમુદ્રમાં લાપતા થયા શોધખોળ હાથ ધરાઇ છે. જ્યારે ૩ ખલાસીને અન્ય બોટે આવી બચાવી લીધા હતા. મૂળ મહારાષ્ટ્રના જલારામ ગોવિંદ વળવી નામના ફિશરમેને પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશને ફરિયાદમાં જણાવ્યું છે કે તે ચુનીલાલ દેવા બારૈયાની ‘નિશાલી’ નામની ફિશીંગ બોટમાં સાઇડ ટંડેલ તરીકે ફિશીંગ કરવા જાય છે. તા. 18-2 ના વળાંકબારા દીવના બોટના ટંડેલ મિલન નરસિંહ જેઠવા તથા ફરીયાદી જલારામ વળવી ઉપરાંત અન્ય ખલાસીઓ કાજરડી ઉનાના દિલીપ બાબુ સોલંકી, મહારાષ્ટ્રના અમીત આહોક સુરુમ, મહારાષ્ટ્રના અનિલ રમેશ વાગડ, સૂરજ વિલાસ વળવી વગેરે ફિશીંગ બોટ લઇને માછીમારી માટે નીકળ્યા હતા અને તેમના માલિકની બીજી બે બોટ પણ સમુદ્રમાં હતી તે પૈકી રૂક્ષ્મણી નામની ફિશીંગ બોટમાંથી સૂર્યા વાળાને ફિશીંગ બોટમાં સાથે લીધો હતો. તેથી તેમની બોટમાં આઠ જેટલા માચ્છીમારો હતા.
તા. 4ના બપોરે 12 વાગ્યા આસપાસ ફિશીંગ કરવા માટે રોકાયા હતા અને દીવ-વણાંકબારાની જેટીથી 70 કિ.મી. એટલે કે 35થી 40 નોટીકલ માઇલ દૂર આસરે બેથી અઢી વાગ્યે અચાનક જ તેમની બોટને પાછળથી જોરદાર ઠોકર લાગતા બોટ નમી ગઇ હતી અને પાણી ભરાવા લાગતા બોટ ડૂબવા લાગી હતી જેથી ફરિયાદી જલારામ અને અનિલભાઇના હાથમાં બોટનું ફાઇબરનું ફાલકુ આવતા તેણે પકડી લીધુ હતુ અને તેમની સામેથી એક અજાણ્યુ મોટુ જહાજ પસાર થતુ હતુ એ પસાર થઇ ગયા બાદ ટંડેલ મિલન અને સૂરજ પાણીમાં દેખાતા બુમ પાડીને તેમને બોલાવતા તેઓ તેમની પાસે આવી ગયા હતા અને તેણે પણ ફાલકુ પકડી લીધુ હતુ. તે દરમિયાન ફરિયાદી જલારામનો સગો ભત્રીજો સૂરજ વિલાસ વળવી ફાલકા ઉપર ચડી ગયો હતો અને ગભરાયો હતો. જોરદાર મોજુ આવતા તા. 5-3 ના ત્રણ વાગ્યાની આસપાસ તેણે ફાલકુ છોડી દેતા તેઓની નજર સામે જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. એ પછી ફરિયાદીના શેઠની બીજી બોટ રૂક્ષ્મણી ત્યાં આવતા બોટમાં તેઓને લઇ લીધા હતા. આથી એક ખલાસી સૂરજનું નજર સામે ડૂબી જતા મોત થયાનું જ્યારે અન્ય ચાર ખલાસીઓ દરિયામાં ગુમ થયાનું જાહેર થતા આગળની તપાસ નવીબંદર પોલીસે હાથ ધરી છે.