કાલ્પનીક, બનાવટી, બોગસ હકકીતોને આધારે પુરાવા રહીતની ખોટી ફરીયાદ કરેલ હોવાની દલીલો
Rajkot,તા.27
મુસ્લિમ સમાજમાં બીજા નિકાહ કરનાર પતિ સામે પ્રથમ પત્નીએ કરેલ શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસના કેસમાં અદાલતે પૂર્વપતિ, સાસરીયાનો નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, મુળ ફરીયાદી સુમનબેન ઈમ્તીયાઝભાઈ હાલા (રહે. રાજકોટ)ના ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના નિકાહ તા. ૧૫/ ૧૧/ ૨૦૧૮નાં રોજ ૧૫૦ ફુટ રિંગ રોડ, રૈયા ચોકડી, રાજકોટમાં રહેતા હારૂનભાઈ હાલાનાં દિકરા ઈમ્તીયાઝ હાલાની સાથે થયા બાદ સાસરે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, દરમિયાન પતિ સાસરીયા માવતર કે અન્યત્ર બહાર જવા દેતા ન હતા. કોરોના વખતે માતા બીમાર પડતા તે વખતે તલાકની ધમકી આપીને જવા દીધી ન હતી. દરમિયાન પતિ સાસરીયા નાની નાની બાબતમાં અને રોજિંદા કામકાજમાં દુઃખ ત્રાસ આપી માવતરના સારા માઠા પ્રસંગમાં જવા દેતા ન હતા. પોતાને ડાયાબિટીસની બીમારી કે અન્ય માંદગી અને પ્રેગ્નન્સી વખતે પણ માનસિક ટોર્ચર કરી પતીના બીજા લગ્ન કરી લેવાની ધાકધમકી આપતા હતા. ત્યારબાદ પરિણીતાને માવતરમાં દીકરીનો જન્મ થયો હતો. આથી પતિ સાસરિયાનો માવતર થી લેપટોપ લાવવા સહિતના દહેજ, જીયાણા સહિતની બાબતે દુઃખ ત્રાસ આપવા માંડ્યા હતા, અને પતિએ જુદી જુદી ત્રણ વખત મોબાઈલ ઉપર તલાક આપી દીધા હતા અને સમાધાન પણ કર્યા વિના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. આથી પરિણીતાએ ઈમ્તીયાઝ હારુનભાઈ હાલા, હારુન ઓસમાનભાઈ હાલા, રોશનબેન હારુનભાઈ હાલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં બોર્ડ પર આવતા ફરીયાદી પક્ષનો રેકર્ડ ઉપરનો મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ આ કામનાં આરોપીઓનાં વકીલ અજયસિંહ ચૌહાણે ફરીયાદીની કહેવાતી હકકીતો ખોટી છે, તપાસ કરનાર અમલદારે ફરીયાદીનાં કહેવા મુજબ કોઈ પ્રાથમીક તપાસ કર્યા વિના આરોપીઓ સામે ખોટી ફરીયાદ દાખલ કરેલ છે અને ફરીયાદીએ તેમની ફરીયાદમાં કાલ્પનીક, બનાવટી, બોગસ હકકીતોને આધારે અમો આરોપીઓની સામે પુરાવા રહીતની ખોટી ફરીયાદ કરેલ હોવાની દલીલો ધ્યાને રાખી ૬ઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.વી.પરમારે આરોપી પતિ સાસરિયાંને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. આ કામમાં ત્રણ આરોપીઓ તરફથી ધારાશાસ્ત્રી અજયસિંહ એમ. ચૌહાણ, (એડવોકેટ એન્ડ નોટરી), ડેનિશ જે. મહેતા તથા તુષાર ડી. ભલસોડ રોકાયા હતા.