Greece,તા.05
ગ્રીસમાં એક મહિલાની જંગલમાં બે-બે વાર આગ લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, કોઈ માણસ જંગલમાં આગ કેમ લગાવે? શું તેને પશુ-પક્ષીઓથી નફરત હશે કે વનસ્પતિથી? પરંતુ આ મહિલાના મામલે આ કરવા પાછળનું કારણ અજીબ જ સામે આવ્યું. આરોપ છે કે, મહિલાને ફાયર ફાઈટર્સ હેન્ડસમ લાગતા હતા. તેથી મહિલા તેને કામ કરતા જોવા અને તેની સાથે ફ્લર્ટ કરવાનું પસંદ કરતી હતી. પોતાની ઈચ્છા માટે મહિલાએ બે-બે વાર જંગલમાં આગ લગાવી અને ત્યાં નજીક ઊભી રહીને ફાયર ફાઈટર્સને જોતી રહી.
મહિલાને ફાયર ફાઈટર્સને જોવાની અને તેમની સાથે ફ્લર્ટ કરવામાં મજા આવતી
ફાયર વિભાગે ત્રિપોલી પોલીસ વિભાગ દ્વારા મહિલાની ધરપકડ અંગે એક નિવેદન જારી કર્યું છે. વિભાગે જણાવ્યું હતું કે, ‘એક ગ્રીક મહિલા આર્કેડિયામાં ત્રિપોલી મ્યુનિસિપાલિટીના કેરાસિટ્સા વિસ્તારમાં જાણી જોઈને ખેતરમાં બે-બે વાર આગ લગાવવા માટે જવાબદાર છે. નિવેદન પ્રમાણે મહિલાએ આવું એટલા માટે કર્યું કારણ કે તેને ફાયર ફાઈટર્સને જોવાની અને તેમની સાથે ફ્લર્ટ કરવામાં મજા આવતી હતી.
પોલીસે કેવી રીતે કરી મહિલાની ઓળખ?
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે આ મહિલાને આગ વાળા બંને સ્થાને જોવામાં આવી, તેનાથી લોકોને શંકા ગઈ. અંતે આગળની તપાસ બાદ પોલીસને સત્યની જાણ થઈ. આ ઘટનાનો ખુલાસો થતાં પોલીસનું પણ મગજ ફરી ગયું કે, આવું કોણ કરે.
ઈન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં લખ્યું કે, ગ્રીસમાં એક 44 વર્ષીય મહિલાએ કથિત રીતે જંગલમાં બે-બે વાર આગ લગાવી દીધી કારણ કે, તેને ફાઈટ ફાઈટર્સને જોવું અને તેની સાથે ફ્લર્ટ કરવું પસંદ હતું. આ મહિલાને ત્રણ વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા મળી છે.
આ વીડિયો પર લોકોની અઢળક કોમેન્ટ આવી રહી છે. ઘણા લોકોએ અધિકારીઓને આ મહિલાને સખત સજા આપવાનો આગ્રહ કર્યો છે. એક નારાજ યુઝરે લખ્યું કે, તેને ઓછામાં ઓછા 20 વર્ષની જેલની સજા કરો.