Rajkot, તા. 15
150 ફુટ રીંગ રોડ પર બીગ બાજાર સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડીંગમાં ગઇકાલે ધુળેટીના દિવસે સવારે લાગેલી ભીષણ આગથી રાજકોટના હાઇરાઇઝ કોમર્શિયલ બિલ્ડીંગ અને રહેણાંક બિલ્ડીંગમાં સલામતીની વ્યવસ્થા સામે ફરી પ્રશ્ર્નો ઉભા થઇ ગયા છે.
આ દરમ્યાન આ બિલ્ડીંગમાં મનપાના ફાયર સહિતના વિભાગોએ કરેલી ચકાસણીમાં આ વૈભવી એપાર્ટમેન્ટમાં 11 વર્ષથી ફાયર એનઓસી રીન્યુ જ નહીં થયાનું બહાર આવ્યું છે. તેના પરથી ફરી આ બિલ્ડીંગને નોટીસ આપવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ બિલ્ડીંગમાં સિલીન્ડર જેવા અમુક સાધનો ચાલુ કંડીશનમાં હતા પરંતુ ઇમરજન્સીમાં જરૂરી એવા કેટલાક સાધનો એકટીવ નહીં હોવાનું પણ ફાયર બ્રિગેડના ધ્યાને આવતા આ સહિતની ચકાસણી શરૂ કરવામાં આવી છે. તે નવી નોટીસની મુદ્દત પૂરી થાય ત્યાં સુધીમાં જો સલામતીના પગલા લેવામાં ન આવે તો કડક કાર્યવાહીના સંકેત પણ આપ્યા છે.
આગની આ ઘટનામાં બહારથી આવેલા ત્રણ લોકોના જીવ ગયા છે. પરંતુ બિલ્ડીંગમાં રહેતા અનેક પરિવારો સલામત રહેતા સૌને રાહત થઇ છે. પરંતુ બિલ્ડીંગમાં છઠ્ઠા માળે જયાં આગ લાગી તે જગ્યાની પ્રાથમિક ચકાસણીમાં અનેક શંકાસ્પદ બાબતો પણ તંત્રને લાગી છે. છતાં અંતિમ તપાસ પોલીસ ચલાવી રહી છે.
આ દરમ્યાન ફાયર બ્રિગેડે પોતાના રેકર્ડમાં કરેલી ચકાસણીમાં બિલ્ડીંગ એસો. દ્વારા પણ કેટલીક બેદરકારી દાખવવામાં આવી હોવાનું લાગ્યું છે. આજે મનપાના ઇન્ચાર્જના પણ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એટલાન્ટિસ બિલ્ડીંગનું બીયુ અને ફાયર એનઓસી 2013-14માં ઇસ્યુ કરવામાં આવ્યા હતા. ર014 બાદ આ ફાયર એનઓસી રીન્યુ કરાવવામાં આવ્યું નથી. ફાયર સિસ્ટમના ઘણા સાધનો વર્કિંગ કંડીશનમાં ન હતા.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ કોમર્શિયલ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરાઇ હતી. પરંતુ લોકો રહેતા હોય તે રેસીડેન્સ સોસાયટીમાં માત્ર નોટીસ અપાતી હતી અને બિલ્ડીંગ સીલ કરાયા ન હતા. આગ લાગવાનો કોલ 10.17 મીનીટે મળ્યા બાદ પાંચ-છ મીનીટમાં જ ફાયરની ટીમ પહોંચી ગઇ હતી. છઠ્ઠા માળે લોકો ગુંગળાઇ જાય એ હદે ધુમાડો હતો આથી કાચ તોડીને સ્મોક બહાર કાઢવામાં આવ્યો હતો. આથી આગ વધુ ફેલાતી અટકી હતી.
આ બિલ્ડીંગ બન્યા બાદ ફાયર સાધનો સાથે એનઓસી લેવામાં આવી હતી. પરંતુ તે બાદ રીન્યુ કરાવવામાં આવી નથી. થોડા સમય પહેલા રીન્યુ માટે અરજી કરાયાનું જાણવા મળ્યું હતું. પરંતુ બિલ્ડીંગમાં ફાયર સેફટી સાધનોની એકટીવ હાલતથી મનપા તંત્રને સંતોષ થયો નથી. આથી નવેસરથી નોટીસ આપવાની તજવીજ ચાલી રહી છે. આ બિલ્ડીંગમાં કુલ ચાર વિંગ રહેલી છે. આથી તમામ વિંગમાં સાધનો કે ફાયર એનઓસી કઇ રીતે મુકવામાં આવ્યા છે તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ છઠ્ઠા માળે જયાં આગ લાગી તે બે ફલેટ વચ્ચેના પેસેજમાં રહેલા વાયરીંગની સ્થિતિ પણ તંત્રને સલામત લાગી નથી. આ વાયરીંગ ઉપર જ વુડન અને ગ્લાસ એલીવેશન સહિતનું ડેકોરેશન હતું. આથી વાયરીંગ સાથે આ તમામ ભાગ આગની જવાળામાં લપેટમાં આવી ગયો હતો. ટીપી શાખા પાસેથી પણ બિલ્ડીંગ યુઝ પરમીશન સહિતની વિગતો, મંજૂર પ્લાન, કમ્પલીશન અને હાલના બાંધકામની સ્થિતિ અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે.