ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો
Surat, તા. ૨૦
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ACમાં બ્લાસ્ટ થતાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.
વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. આ ઘટના વખતે સ્કૂલમાં હાજર લગભગ ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં સવારે ૯.૨૧ કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
જોકે આ આગ લાગી હોવાની જાણ થતા જ સરસ્વતી વિદ્યાલયના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ હોવાના અહેવાલ હજુ સુધી મળ્યાં નથી. તમામ બાળકો સહી સલામત છે.
સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઘાંસીશેરી કતારગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક સરસ્વતી વિદ્યાલયમાં પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.