Prayagraj, તા.7
મહાકુંભમાં આજે ફરી એકવાર સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહીં આગની આ ત્રીજી ઘટના માનવામાં આવી રહી છે. આ આગ ઇસ્કોનના કિચનમાં લાગી હતી. જો કે સદ્ભાગ્યે આ આગમાં કોઇ જાનહાની નથી થઇ. આગની આ ઘટનામાં અનેક કોટેજ સળગ્યા છે. જો કે અગ્નિશમન દળે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પ્રયાગરાજમાં કુંભમેળા ક્ષેત્રના સેક્ટર 18 શંકરાચાર્ય માર્ગ પર ઇસ્કોનના કિચનમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક કોટેજ સળગી ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘણી જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.
આગના આ બનાવમાં જાનહાનીના ખબર નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગ્યાની વાત બહાર આવી છે. જ્યારે કુંભ પ્રશાસને જણાવ્યું હતું કે મેળા ક્ષેત્રમાં સેક્ટર 18માં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગની ઘટનામાં જાનહાની થઇ નથી કે કોઇ ઘાયલ પણ નથી થયા.
ઉલ્લેખનીય છે કે, મહાકુંભમાં આગનો આ ત્રીજો બનાવ છે. અગાઉ ગીતા પ્રેસ ગોરખપુરની શિબિરમાં આગ લાગી હતી. આ આગમાં પણ જાનહાની નહોતી થઇ. આ આગમાં 100થી વધુ કોટેજ સળગીને ખાખ થયા હતા. અહીં પણ ઝડપથી આગને કાબુમાં લવાઇ હતી.
અગાઉ 17મી જાન્યુઆરીએ મહાકુંભના સેક્ટર 19માં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલા ઘાસમાં આગ ભભૂકી હતી જેમાં 16 કેમ્પ સળગી ગયા હતા. આ આગમાં જાનહાનીના કોઇ સમાચાર નહોતા.