Surat,તા.27
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી, જે પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને 30 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાક થઇ ગઇ છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બારડોલી, નવસારી, સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
ભયાનક આગને લીધે ફાયર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેન્કરો મંચાવ્યા હતા. 3500 લીટર અને 10,000 લીટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું.
શિવ શક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગેલી આગ ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે આગ આકસ્મિક રીતે લાગી છે કે પછી કોઈએ લગાવી છે? આવા અનેક તર્ક સાથે હવે આગ લાગવાના કારણ શોધવા સાથે જવાબદારો પણ શોધવા માટેની માંગણી થઈ રહી છે. શિવશક્તિ માર્કેટ પાસે ફાયર એનઓસી છે પણ આગ કઈ રીતે લાગી અને આટલી વિકરાળ કેવી રીતે બની તે તપાસનો વિષય બન્યો છે.