જીન્સનું નામ આવતાં જ કોઈપણ વયની માનુનીને તે પહેરવાનું મન થઈ જાય. આ એક એવી બૉટમ છે જેને કંઈકેટલીય પેટર્નમાં પહેરી શકાય છે. તમે ચાહો તો એકદમ ચુસ્ત ડેનિમથી લઈને પાયજામા જેવી ખુલતી જીન્સ પહેરી શકો. અલબત્ત, સમયાંતરે જીન્સની પેટર્નની ફેશન બદલાતી રહે છે. વર્તમાન સમયની વાત કરીએ તો હમણાં હમણાં વિશ્વભરમાં બેરલ જીન્સની બોલબાલા વધી પડી છે. તમે અત્યાર સુધી સ્કીની, બૂટ કટ, બેગી, બેલ બોટમ જેવી પેટર્નના નામ સાંભળ્યા હશે. પરંતુ બેરલ જીન્સ વિશે ભાગ્યે જ જાણતા હશો.
ફેશન ડિઝાઈનરો કહે છે કે બેરલ ડેનિમ બેગી જીન્સનો જ એક પ્રકાર છે. આમ છતાં તે બેગી ડેનિમથી તદ્દન વેગળી લાગે છે. બેગી જીન્સ કમર પાસેથી ફિટિંગવાળી છતાં પાયજામા જેવી ખુલતી હોય છે. જ્યારે બેરલ જીન્સ કટિ પાસેથી પરફેક્ટ ફિટિંગવાળી, વચ્ચેથી પહોળી અને નીચેના ભાગમાંથી સાંકડી એટલે કે થોડી ઓછી ખુલતી હોય છે. કોઈપણ પેન્ટનો આ પ્રકારનો આકાર થોડો વિચિત્ર લાગે. આમ છતાં તે અત્યંત આકર્ષક દેખાય છે. આ ડેનિમને તમે હેરમ પેન્ટને મળતી આવતી કહી શકો. જીન્સનો આ બેરલ આકાર આધુનિક લાગે છે.
ફેશન ડિઝાઈનરો વધુમાં કહે છે કે બેરલ જીન્સ અન્ય ડેનિમ કરતાં નોખી તરી આવે છે, જેમ કે મૉમ જીન્સ હાઈ વેસ્ટ, એટલે કે કમર પાસેથી ઊંચી હોય છે. અને પગમાંથી એકદમ સીધી તેમ જ કમ્ફર્ટેબલ ફિટ હોય છે. જ્યારે બૉયફ્રેન્ડ જીન્સ એકદમ ખુલતી અને લો વેસ્ટ, એટલે કે કમર પાસેથી વધારે નીચે પહેરાય છે. સૌથી મહત્વની વાત એ છે કે બેરલ ડેનિમ પાતળી પરમારથી લઈને એપલ શેપ બૉડી ધરાવતી અને સ્થૂળકાય મહિલાઓને પણ સરસ લાગે છે. તે વચ્ચેના ભાગમાંથી પહોળી હોવાથી બેસતી વખતે કમ્ફર્ટેબલ લાગે છે. અને નીચેથી સહેજ સાંકડી હોવાથી ફરસ પર ઢસડાતી નથી. જ્યારે કટિ પાસેથી યોગ્ય ફિટિંગ હોવાથી કમર પાસેથી સરકી જવાની અકળામણ પણ નથી વેઠવી પડતી.
બેરલ ડેનિમ સેમી-ફોર્મલ હોવાથી તે ગમે ત્યારે અને ગમે ત્યાં પહેરી શકાય છે. આ જીન્સ ટેલર્ડ બ્લેઝર, ફિટ બ્લાઉઝ સાથે ખૂબ જચે છે. તેની સાથે પોઇન્ટેડ-ટો હિલ્સ અને સ્ટેટમેન્ટ જ્વેલરી આકર્ષક લાગે છે. ખાસ કરીને ઈવનિંગ પાર્ટીમાં. જ્યારે કેઝ્યુઅલ લુક માટે બેરલ જીન્સ સાથે ગ્રાફિક ટી-શર્ટ,અથવા કમ્ફર્ટેબલ ઓવરસાઇઝ્ડ નીટ સ્વેટર અને એંકલ બૂટ ધારણ કરી શકાય. જો તમે નોખા તરી આવવા માગતા હો તો બેરલ ડેનિમ સાથે સિલ્કનું શર્ટ પહેરી લો. તેની સાથે તમે ક્રૉપ્ડ એમ્બેલિશ્ડ ટ્વીડ જેકેટ લેયર કરી શકો.