Rajkot. તા.21
વિંછીયાના બંધાળી ગામની સીમમાં શેઢા પાસે પપૈયુ કાપીને નાંખતા ખેડૂત પર શેઢા પડોશીએ પાવડો ફટકારી ખોપડી ફાડી નાંખતા ખેડૂતને સારવારમાં રાજકોટ ખસેડાયા હતાં. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે વિંછીયાના બંધાળી ગામે રહેતાં સાતાભાઇ માધાભાઇ ગોહીલ (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી હરજી ગોહિલનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે અને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે.
તેઓ સવારના નવેક વાગ્યાની આસપાસ ઘરેથી વાડીયે ખેતીકામ સબબ ગયેલ હતાં. દશેક વાગ્યે ગામના અશોકભાઈ ધરજીયા તેમનુ રોટાવેટર જમીનમાં હાકવા માટે આવેલ અને રોટાવેટર શરુ હતુ ત્યારે તેઓ વાડીના શેઢે કામ કરતાં હતાં.
ત્યારે શેઢા પડોશી જેન્તી ગોહીલ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તે આ પપૈયુ કાપી કેમ શેઢા પર નાંખેલ છે, અમને રસ્તામા ચાલવામા નડે છે તેમ કહી ગાળો આપવા લાગેલ અને ઉશકેરાઇ જઈ બાજુમાથી પવડો લઈ હુમલો કરી દિધો હતો.
પાવડાથી થયેલ હુમલામાં ફરિયાદીને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા લાગતાં તેઓ નીચે પડી ગયેલા હતાં. છતાં પણ આરોપી તેની પર ચડી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતો. તેઓએ દેકારો કરતાં આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં પડોસીઓ દોડી આવતાં વિંછીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતાં.
જ્યાંથી વધું સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.