New Delhi,તા.17
આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. જે પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, કરાંચી અને રાવલપીંડી) અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કરાંચી અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે.
શું છે સમગ્ર વિવાદ?
આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે જેમાં કરાંચી ખાતે આવેલા નેશનલ સ્ટેડીયમની છત પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા સાત દેશોના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા છે તેવું જોઈ શકાય છે. પરંતુ તેમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજને સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે, ગુજરાત સમાચાર આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ક્રિકેટ ચાહકો ભડકી ઉઠ્યા
હવે આ વાઈરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ભારતના રાષ્ટ્રીય ધ્વજને અહીં સ્થાન કેમ ન આપવામાં આવ્યું? જેના કારણે ક્રિકેટ ચાહકો ભડકી ઉઠ્યા હતા. પરંતુ ઘણાં લોકો દલીલ આપી રહ્યા છે જે, ભારતીય ટીમ પાકિસ્તાનમાં એક પણ મેચ નથી રમી રહી જેના કારણે આવું કરવામાં આવ્યું છે. કરાંચીના નેશનલ સ્ટેડીયમમાં ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ ટીમોની મેચ રમાશે.
શું કહે છે ICCના નિયમ?
ICCના નિયમાનુસાર જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યો છે તો તેણે એ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બધા જ દેશોના ઝંડાને લગાવવા પડશે. અહીં તમને જણાવી દઈકે કે, સંબંધોમાં તણાવ અને સુરક્ષાની ચિંતાને કારણે ભારત સરકારે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની પરવાનગી આપી ન હતી. જેના કારણે ICCએ આ ટુર્નામેન્ટને ‘હાઈબ્રીડ મોડલ’ના આધારે આયોજિત કરવાનું નક્કી કર્યું હતું.