મારા નામે ફ્લેટ કર્યો હોત તો હું તમને કાઢી ન મુકત’ કહેતાં જ પતિ વિફર્યો; સાસરિયા સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ
Rajkot, તા.2
પતિ-પત્ની એ સંસારના બે પૈડા છે એ વાત હજારો વખત ચર્ચાઈ ચૂકી છે આમ છતાં આ બે પૈડા વચ્ચે અથડામણ થવાને કારણે સંસારરૂપી ગાડી પાટા પરથી ઉતરી ગયાના અનેક કિસ્સા બન્યા છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. શહેરના મવડી-કણકોટ રોડ પર ઈસ્કોન એમ્બીટીમાં રહેતી પરિણીતાના પૈસા લઈને તેના પતિએ માતાના નામે ફ્લેટ કરતાં ડખ્ખો થવાને કારણે એક સુખી સંસારનો અંત આવ્યો હતો સાથે સાથે સાસરિયાઓ સામે માનસિક ત્રાસની પણ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે નયનાબેન રાહુલભાઈ તરાવિયાએ જણાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ધોરાજીમાં રહેતા રણમીક રણછોડભાઈ રાંકના પુત્ર રાહુલ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ૨૩-૧૧-૨૦૨૩ના વડિલોની હાજરીમાં રાજકોટમાં વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ધોરાજીમાં નયનાબેન સાસરિયાઓ સાથે રહેતા હતા. લગ્ન બાદ ખબર પડી હતી કે રાહુલ ધો.૧૦ ફેઈલ છે. આ અંગેની વાત સાસુ-સસરાને કરતાં ઝઘડો થયો હતો.
ત્યારબાદ નયનાબેન પતિ સાથે રાજકોટ રહેવા આવી ગઈ હતી અને અહીં પ્રાઈવેટ નોકરી કરતી હતી. રાહુલે ભાગીદારીમાં ધંધો કર્યો હતો પરંતુ તે ન ચાલતાં દેવું થયું હતું જેના કારણે નયનાબેનના પગારથી ઘર ચાલતું હતું. ઘરની સ્થિતિ ખરાબ હોવા છતાં રાહુલે સંતાન માટે દબાણ કરતાં નયનાબેન સહમત થયા હતા અને તા.૧-૧૧-૨૦૧૫ના પુત્રનાો જન્મ થયો હતો. આ વેળાએ નયનાબેનના માવતરે આર્થિક મદદ કરી હતી.
બાદમાં રાહુલનો ધંધો બરાબર ચાલવા લાગતાં એક મકાન લેવાનું નક્કી કર્યું હતું જેનું દોઢ લાખ ડાઉન પેમેન્ટ નયનાબેને કરેલી બચત તેમજ ભાઈની મદદ લઈને ભરપાઈ કર્યું હતું. આ ફ્લેટ નયનાબેનના નામે લખાવવા સહમતિ સધાઈ હતી પરંતુ રાહુલે ફ્લેટ તેના માતા રમાબેનના નામે લીધો હતો જેના કારણે નયનાબેને કહ્યું હતું કેફ્લેટ મારા નામે લીધો હોત તો હું તમને ઘરમાંથી કાઢી ન મુકત’ આ વાતને લઈને ઝઘડો થયો હતો. નવા ફ્લેટમાં ગયા બાદ રાહુલે શંકા-કુશંકા કરવાનું શરૂ કર્યું હતું સાથે સાથે સાસુ-સસરા પણ ત્રાસ આપવા લાગ્યા હતા. એક દિવસ રાહુલે નયનાબેનને માર પણ માર્યો હતો.
ત્યારબાદ સાસુ-સસરા અને રાહુલ નયનાબેન અને પુત્ર કાવ્યને લઈને બીજે રહેવા જતા રહ્યા હતા અને ખોટા પોલીસકેસ કરીને હેરાન કરતા આખરે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાહુલ રાંક, તેના પિતા રમણીક રાંક અને માતા રમાબેન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.