New Delhi, તા. 1
દેશમાં બનાવટી દવા સામે હાથ ધરાયેલી ઝુંબેશ વચ્ચે ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવ્યું છે જેમાં દેશી દવાઓ ઉપર વિદેશી લેબલ ચોંટાડી દેવામાં આવ્યા હતા. કેન્દ્રીય ઔષધ માનક બ્યુરો દ્વારા કોલકતામાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડામાં પકડાયેલી દવા પર આયરલેન્ડ, તુકી, અમેરિકા, બાંગ્લાદેશ સહિત જુદા જુદા દેશોમાં ઉત્પાદન થયું હોવાના લેબલ લગાવવામાં આવ્યા હતા.
ઔષધ વિભાગના સુત્રોએ કહ્યું કે, કંપની પાસે દવા આયાત કરવાના કોઇ લાયસન્સ કે અન્ય દસ્તાવેજો પણ ન હતા. આ સંજોગોમાં દવા નકલી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. કંપનીમાંથી પેકીંગ સામગ્રી પણ મળી આવી હતી. જેને પગલે દવા અસલી હોવા વિશે શંકા વધુ દ્રઢ બની હતી. દરોડા ટીમ દ્વારા 6.60 કરોડની દવાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
તેની ગુણવત્તા ચકાસવા માટે નમુના લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. એક વ્યકિતની ધરપકડ પણ કરવામાં આવી હતી. જથ્થાબંધ દવા વિક્રેતાની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બનાવટી દવાઓને કારણે બિમારી વકરી શકે છે અથવા સાજા થઇ શકાતુ નથી. ઉપરાંત એલર્જી, ચામડી, વાળ ખરવા જેવા ઘટનાક્રમો સર્જાઇ શકે છે. પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચકકર આવવા જેવી બિમારી પણ ઉભી થઇ શકે છે. સાથોસાથ રોગપ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે.